અમરેલી-જૂનાગઢ રોડ પર દેવળિયા ગામ પાસે સ્કૂલ બસ પલટી, વિદ્યાર્થીઓનો બચાવ

અમદાવાદ: અમરેલી-જૂનાગઢ રોડ પર દેવળિયા ગામના પાટિયા પાસે સ્કૂલ બસ પલટી ખાઇ ગઇ હતી. જોકે સદ્દનસીબે આ બસમાં સવાર ર૧ વિદ્યાર્થીઓનો અદ્દભુત બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે, અમરેલીના જ્ઞાનદીપ વિદ્યામંદિરની સ્કૂલ બસ સવારે જુદા જુદા વિસ્તાર અને ગામોમાંથી વિદ્યાર્થીઓને લઇ સ્કૂલ તરફ જઇ રહી હતી ત્યારે બસના ચાલકે સ્ટિગરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ દેવળિયાના પાટિયા પાસે પલટી ખાઇ ગઇ હતી.

બસે પલટી ખાતાં જ વિદ્યાર્થીઓએ ચીસાચીસ કરી મૂકતાં વાતાવરણમાં ગમગીની છવાઇ હતી. ઘટનાની જાણ થતાં આજુબાજુના ખેતરોમાં કામ કરતા લોકોએ તાત્કાલીક દોડી આવી બસના કાચ તોડી ફસાયેલા વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢ્યા હતા. આ ઘટનાના પગલે રોડ પર લોકોનાં ટોળેટોળા ભેગા થતાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. લોકોનાં ટોળા વિખેરવા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like