સ્કૂલ બસમાં હવે CCTV, GPS, સ્પીડ ગવર્નર ફરજિયાતઃ CBSE

નવી દિલ્હી: ગત મહિને ઉત્તર પ્રદેશના એટામાં ગમખવાર સ્કૂલ બસ દુર્ઘટના બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) હવે સ્કૂલ બસ દ્વારા આવ જા કરતાં બાળકોની સુરક્ષા અંગે જાગૃત બન્યું છે. સીબીએસઈએ સ્કૂલ બસ દ્વારા આવ જા કરતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને નવા દિશા નિર્દેશો જારી કર્યા છે.

સીબીએસઈએ એવી સૂચના આપી છે કે બાળકોને ઘરેથી સ્કૂલે લઈને આવતી બસોમાં ફરજિયાત સીસીટીવી કેમેરા, જીપીએસ અને સ્પીડ ગવર્નર લગાવવામાં આવે. આ માટે સ્કૂલ બસોની મહત્તમ સ્પીડ પ્રતિ કલાકના ૪૦ કિ.મી.ની નક્કી કરવી જોઈએ. સીબીએસઈએ એવી પણ ચેતવણી આપી છે કે જે શાળાઓ સ્કૂલ બસ માટે આ ગાઈડ લાઈન્સનો અમલ નહીં કરે તો તેના શાળા સંચાલક અને આચાર્ય જવાબદાર ગણાશે અને સ્કૂલની માન્યતા પણ રદ કરવામાં આવશે.

સીબીએસઈએ આ પગલું માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરના આદેશ પર ભર્યું છે. એટા સ્કૂલ બસ દુર્ધટનામાં ૧૨ માસૂમ બાળકોનાં દર્દનાક મોતથી શોકગ્રસ્ત જાવડેકરે સીબીએસઈને જરૂરી પગલાં ભરવા આદેશ કર્યો હતો. આ નવી ગાઈડલાઈન્સ અનુસાર સ્કૂલ બસોની બારીના કાચ પણ બરાબર બંધ થવા જોઈએ અને મહત્તમ સ્પીડ મર્યાદા પ્રતિ કલાકના ૪૦ કિ.મી. નિર્ધારિત કરવા માટે તેમા સ્પીડ ગવર્નર બેસાડેલ હોવું જોઈએ.

એટલું જ નહીં પ્રત્યેક સ્કૂલ બસમાં જીપીએસ અને સીસીટીવી કેમેરા ફરજિયાત પણ લગાવવા પડશે. સ્કૂલ બસ માટે હવે ખખડધજ વાહનોનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત સ્કૂલ બસમાં એલાર્મ બેલ અને સાયરન લગાવવાં પડશે. પ્રત્યેક સ્કૂલ બસમાં ઓછામાં ઓછા એક વાલી, એક ટ્રાન્સપોર્ટ મેનેજર અને એક ટ્રેઈન્ડ લેડી એટેન્ડન્ટ પણ રાખવાં પડશે. કોઈ ઈમર્જન્સી સ્થિતિમાં માહિતી આપવા માટે બસમાં સ્કૂલ તરફથી એક મોબાઈલ ફોન પણ ઉપલબ્ધ કરાવવો પડશે.
http://sambhaavnews.com/

You might also like