અાનંદ નિકેતનની સ્કૂલબસ અને બે કાર વચ્ચે અકસ્માત

અમદાવાદ: અમદાવાદના રસ્તાઓ પર દોડતી સ્કૂલબસોના અકસ્માતનો સિલસિલો શરૂ થયો છે. મેમનગરની દિવ્યપથ સ્કૂલની બસના અકસ્માતની ઘટના તાજી છે ત્યાં આજે વહેલી સવારે પકવાન ચાર રસ્તા પાસે શીલજની આનંદનિકેતન સ્કૂલની બસ અને બે કાર વચ્ચે અકસ્માત અકસ્માત સર્જાયો હતો, જોકે આ ઘટનામાં કોઈ જાનહા‌િન થઇ ન હતી. આ અકસ્માતમાં પોલીસ ફરિયાદ ન થઇ હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે શીલજની આનંદનિકેતન સ્કૂલની બસ જજીસ બંગલો તરફથી સિંધુ ભવન રોડ તરફ જતી હતી ત્યારે પકવાન ચાર રસ્તા પર સિંધુ ભવન રોડ તરફથી આવેલા કારચાલકે બેફામ સ્પીડે વળાંક લઇને સ્કૂલબસને ટક્કર મારી હતી. દરમ્યાનમાં થલતેજ તરફથી પણ પુરપાટ ઝડપે એક કાર આવી હતી અને તેના ચાલકે અકસ્માત સર્જનાર કારને જોરદાર ટક્કર મારી હતી.

એક જ સમયે સ્કૂલબસ અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં કારની એરબેગ ખૂલી ગઈ હતી, જોકે આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને જાનહા‌િન થઇ ન હતી. સ્કૂલ બસમાં ૨૦થી ૨૫ જેટલા બાળકો બેઠા હતા. અકસ્માતની જાણ સ્કૂલ સત્તાધીશોને થતાં તાત્કાલિક અન્ય બસને ઘટનાસ્થળે મોકલી બાળકોને સ્કૂલે પહોંચાડવામાં અાવ્યા હતા. વાલીઓને પણ જાણ થતાં તેઓએ સ્કૂલમાં ફોન કરી તેમના બાળકોના સહીસલામત હોવા અંગેની માહિતી મેળવી હતી.

અકસ્માતના પગલે પકવાન ચાર રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસને જાણ કરાતાં એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બંને પક્ષે સમાધાન થઇ જતાં કોઈ ફરિયાદ ન થઇ હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં દસ દિવસમાં અકસ્માતનો આ બીજો બનાવ છે. ચાંગોદર નજીક મેમનગરની દિવ્યપથ સ્કૂલની બસના અકસ્માતમાં બે વિદ્યાર્થીઓનાં સારવાર દરમ્યાન મોત નીપજ્યાં છે. ફરી એક વાર આજે એસ.જી. હાઇવે પર સ્કૂલબસનો અકસ્માત સર્જાતાં હાઇવે પર સાવધાનીથી અને ઓછી ગતિએ સ્કૂલબસ ચલાવવાના સ્કૂલ સત્તાધીશો આદેશ આપે, જેથી વિદ્યાર્થીઓ સુરક્ષિત સ્કૂલે અને ઘરે પહોંચી શકે.

You might also like