સ્કૂલ બસ પલટી ખાઈ ગઈઃ ૨૫ વિદ્યાર્થીઓનો અદ્ભુત બચાવ

અમદાવાદ: બોરસદ રોડ પર વહેરા પાટિયા પાસે બાળકોને સ્કૂલે લઈ જતી બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે અા ઘટનામાં સ્કૂલ બસમાં બેઠેલા ૨૫ બાળકોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. પોલીસે અા અંગે બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે બોરસદની એક્સેલન્ટ સ્કૂલની બસ બાળકોને લઈ વહેરા પાટિયા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે બસને બેદરકારીથી ચલાવતાં બસ સ્મશાનનાં વળાંક નજીક પલટી ખાઈ જતાં બસમાં બેઠેલાં બાળકોએ રડારોળ કરી મૂકી હતી. જોકે અા ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને તમામ બાળકોનો અદ્ભુત બચાવ થયો હતો.

બુમાબુમ અને દેકારો થતાં અાજુબાજુના રહીશો તાત્કાલીક દોડી અાવ્યા હતા અને બસમાં ફસાયેલાં બાળકોને બારીમાંથી બહાર કાઢવામાં અાવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં બાળકોનાં વાલિઓના જીવ અધ્ધર થઈ ગયા હતા અને તેઓ પણ હાંફળાં ફાંફળાં થઇ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે અા રોડ ઉપર સ્કૂલ બસની અકસ્માતનો ૧૫ દિવસમાં અા બીજો બનાવ બન્યો છે.

You might also like