મ્યુનિ. સ્કૂલ બોર્ડના ચેરમેનની શનિવારે વરણી

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ભણતાં ૧.૪ર લાખથી વધુ બાળકોનાં ભાવિનું ઘડતર કરનાર સ્કૂલ બોર્ડમાં છેલ્લા ચાર મહિનાથી પ્રજાના પ્રતિનિધિઓનું શાસન ન હતું. કાર્યકારી ચેરમેન સ્કૂલ બોર્ડનો વહીવટ સંભાળતા હતા પરંતુ તા. ૬ અોગસ્ટના રોજ મ્યુનિ. સ્કૂલ બોર્ડના ચેરમેનની વરણી થઈ જશે.

કરોડોનું બજેટ ધરાવતા પંદર સભ્યનાં સ્કૂલ બોર્ડમાં સભ્ય તરીકે સ્થાન મેળવવા જબ્બર રાજકારણ રમાયું હતું. છેવટે ભાજપના નવ અને કોંગ્રેસના ત્રણ સભ્યનાં નામની જાહેરાત ભારે વિવાદસ્પદ પણ બની હતી. જેને કારણે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત બે સભ્યનાં નામની જાહેરાત પણ બે અઢી મહિના સુધી અટવાઇ હતી.

ગત તા.ર૬ જુલાઇએ રાજ્ય સરકારે રાકેશ પરીખ, વિશાલ દેસાઇનાં નામ જાહેર કર્યાં બાદ તમામ ૧પ સભ્યનાં નામ જાહેર થઇ ચુક્યાં છે. શનિવારે બપોરે ત્રણ વાગ્યે દાણાપીઠ મ્યુનિ. મુખ્યાલયની સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં મેયર ગૌતમ શાહની અધ્યક્ષતામાં સ્કૂલ બોર્ડના ચેરમેનની વરણી કરવા માટેની ખાસ બોર્ડ બેઠક યોજાશે. જેમાં સ્કૂલ બોર્ડના ચેરમેનની બહુમતીથી વરણી કરાશે. નવા ચેરમેન પદે સ્ટેડિયમના પૂર્વ કોર્પોરેટર રાકેશ પરીખનો ઘોડો હાલમાં આગળ છે. જો કે પંકજસિંહ ચૌહાણ પણ રેસમાં છે.

You might also like