સ્કૂલ બોર્ડના પદાધિકારીઅોને તેમની અોફિસ પાછળની ગંદકી જ દેખાતી નથી

અમદાવાદ: મ્યુનિ. સ્કૂલ બોર્ડના સંચાલિત શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારનાં બાળકો અભ્યાસ કરે છે. આશરે ૧.૪૩ લાખથી વધારે માસૂમ ભૂલકાઓનાં ભાવિ જીવનના ઘડતરની ચાવી સ્કૂલ બોર્ડના સત્તાધીશો પાસે છે. જોકે સ્કૂલ બોર્ડના નવા ચેરમેનનું કોકડું બે-ત્રણ મહિના બાદ પણ ઉકેલાયું ન હોઈ નવા શૈક્ષણિક સત્રનો કાર્યભાર કાર્યકારી ચેરમેન સંભાળશે તેવી અટકળો છે. જોકે અત્યારે તો કાર્યકારી ચેરમેનની ઓફિસની બહાર જ વહેતી ગટર ગંગાએ ચર્ચા જગાડી છે.
તાજેતરમાં કાર્યકારી ચેરમેન જગદીશ ભાવસારે નીતિ વિષયક નિર્ણય લઈને ભારે વિવાદ વહોરી લીધો છે. નવા શૈક્ષણિક સત્રથી એટલે કે જૂન ૨૦૧૬થી તેમણે ૭૮ શાળાઓનો સમય સવારના અગિયારથી સાંજનો પાંચ વાગ્યા સુધીનો કર્યો છે. જોકે આના કારણે ગરીબ પરિવારના અનેક બાળકો અભ્યાસ કરવા શાળાએ નહીં જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
નવરંગપુરા બસ સ્ટેન્ડની પાછળ આવેલી એલિસબ્રિજ શાળા નંબર દશના પરિસરમાં સ્કૂલ બોર્ડના શાસકોની ઓફિસ છે. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ.ડી. દેસાઈ તેમજ કાર્યકારી ચેરમેન જગદીશ ભાવસારની પહેલા માળે વિશાળ એસી ઓફિસ છે. આ ઓફિસની પાછળ જ ગટરની લાઈનમાં ભંગાણ થતાં ગટરના દુર્ગંધ મારતાં પાણી આસપાસ ફરી વળ્યાં છે.
જો કે એલિસબ્રિજ શાળા નં. ૧૦નું તો લાખ્ખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયું છે. જેનું મેયર ગૌતમ શાહના હસ્તે ગત ફેબ્રુઆરી, ૨૦૧૬માં ઉદ્ઘાટન પણ કરાયું હતું બીજી તરફ આ શાળાના પરિસરમાં જ સ્થિત સત્તાવાળાઓની ઓફિસ બિલ્ડિંગમાં ગટર લાઈનમાં ભંગાણ પડે તેવી સ્થિતિ
ઉદ્ભવી છે.

You might also like