સ્કૂલ બોર્ડના ડે.ચેરમેન, સમિતિની નિમણૂકને જૂથવાદનું ગ્રહણ

અમદાવાદ: ગરીબ અને મધ્યમવર્ગના પરિવારનાં ૧.૪૩ લાખ બાળકોના ભવિષ્ય સાથે મ્યુનિ. શાળાઓ સીધી રીતે જોડાયેલી છે. કમનસીબે મ્યુનિ. શાળાઓના સંચાલન માટે જવાબદાર સ્કૂલબોર્ડ છેલ્લા કેટલાય મહિનાથી આંતરિક રાજકારણનો અખાડો બન્યું છે, જેમ તેમ કરીને સ્કૂલબોર્ડની ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં તો આવી ગઇ છે, પરંતુ આ ચૂંટાયેલી પાંખ આજ‌િદન સુધી બાળકોના ભવિષ્યની પાંખ બનવા માટે અસમર્થ જ છે.

ગત તા.૬ ઓગસ્ટે સ્કૂલબોર્ડના ચેરમેનપદે પંકજસિંહ ચૌહાણની વરણી થઇ હતી. સ્કૂલબોર્ડમાં જબરદસ્ત સ્પર્ધાત્મક માહોલની વચ્ચે પંકજસિંહ ચેરમેન તો બની ગયા છે, પરંતુ તેમના લગભગ એક મહિનાના કાર્યકાળમાં નારણપુરાની મ્યુનિ. શાળામાં યોજાયેલા ‘ઘરના ભૂવા અને ઘરના ડાકલા’ જેવા એક કાર્યક્રમ સિવાય બાળકો માટે બીજી કોઇ નક્કર કામગીરી તો ઠીક પણ ડેપ્યુટી ચેરમેનની નિમણૂક સુધ્ધાં થઇ નથી.

રાજ્ય સ્તરીય જૂથવાદના પગલે ડેપ્યુટી ચેરમેન માટેનાં સંભવિત નામો તરીકે ધીરેન્દ્રસિંહ તોમર, સવિતાબહેન શ્રીમાળી અને રાકેશ પરીખનાં નામ ચર્ચાઇ રહ્યાં છે, પરંતુ ચેરમેન દ્વારા હજુ સુધી શાસનાધિકારીને સ્કૂલબોર્ડની સામાન્ય સભા બોલાવવાની સૂચના અપાઇ નથી, કેમ કે શહેર હાઇકમાન્ડ હજુ સુધી ડેપ્યુટી ચેરમેન માટે અવઢવમાં જ છે. આની સાથેસાથે શૈક્ષણિક આયોજન સમિતિ, ટેન્ડર સમિતિ, બાંધકામ સમિતિ અને નોન ટી‌િચંગ સ્ટાફ સિલેક્શન સમિતિ એમ ચાર પેટાસમિતિની પસંદગી પણ લટકી પડી છે!

સ્કૂલબોર્ડનાં વર્તુળો કહે છે, સ્કૂલબોર્ડમાં છેલ્લા છ મહિનાથી બાળકો માટે સરકારી કાર્યક્રમો સિવાય સકારાત્મક શૈક્ષણિક આયોજન કરાયું જ નથી. ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં આવી ગઇ હોવા છતાં પ્રાણહીન પુરવાર થઇ છે એટલે લાંબા સમયથી વાર્ષિક રૂ.૬૩૯ કરોડનું જંગી બજેટ ધરાવતા સ્કૂલબોર્ડનું ગાડું વહીવટ પાંખ ગબડાવી રહ્યું છે! સ્કૂલબોર્ડમાં આંતરિક રાજકારણ ખેલાતું જ્યારે અટકશે ત્યારે જ ગરીબ પરિવારનાં બાળકોના ભાવિના ઘડતરની દિશામાં ભાજપના હાલના શાસકો બે ડગલાં ભરી શકશે. હાલ તો શાસકો પણ ખાનપુરના આદેશની રાહ જોતાં જોતાં મંજીરા વગાડી રહ્યા છે!

You might also like