સ્કૂલબોર્ડના ચેરમેન-શાસનાધિકારીની ઓફિસનાં સીસીટીવી છ માસથી બંધ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં દાયકાઓથી એક પણ કોર્પોરેટર, અધિકારી કે સ્કૂલ બોર્ડના સભ્યના સંતાન શિક્ષણ લેતાં નથી. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને છૂટકે ન છૂટકે પોતાના બાળકોને મ્યુનિસ્પિલ શાળામાં શિક્ષણ માટે મોકલવાં પડે છે. તાજેતરમાં શાહપુરમાં એક વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવાના મામલે શહેરભરમાં ખળભળાટ મચ્યા બાદ રહી રહીને આરોપી પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની તંત્રને ફરજ પડી છે. આ શાળાઓમાં સીસીટીવી કેમેરા મૂકવાની વાલીઓની માગણી અને લાગણી છે. જોકે આમાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત તો એ છે કે રેઢિયાળ તંત્રના કારણે ખુદ સ્કૂલ બોર્ડના ચેરમેન અને શાસનાધિકારીની ઓફિસના સીસીટીવી કેમેરા છેલ્લા છ મહિનાથી બંધ છે.

૩૭૧ શાળાની સલામતી સીસીટીવી કેમેરાના અભાવે ‘ભગવાન ભરોસે’ છે. પરંતુ આશ્ચર્યજનક રીતે વિદ્યાર્થિનીઓની સલામતીના ભોગે પોતાની એસી ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવવામાં સ્કૂલબોર્ડના ચેરમેન પંકજસિંહ ચૌહાણ અને સ્કૂલબોર્ડના શાસનાધિકારી એલ.ડી. દેસાઇ ભારે અધીરા થયા હતા. શાનદાર એસી ઓફિસમાં બેસીને વહીવટ સંભાળતા આ મહાનુભાવો કોનાની ફફડાટ અનુભવતા હતા કે પોતપોતાની ઓફિસને સૌથી પહેલા સીસીટીવી કેમેરાથી સજજ કર્યા? પ્રજાના પરસેવાનાં નાણાંથી લાખો રૂપિયાના ખર્ચે બંનેે ઓફિસનું રિવોવેશન કરાયું. આ રિનોવેશન દરમ્યાન કોઇક વાસ્તુશાસ્ત્રીની સલાહ મુજબ બેઠક વ્યવસ્થા બદલાઇ. આ બેઠક વ્યવસ્થા બદલાયા છતાં પણ સ્કૂલ બોર્ડનો ખાડે ગયેલો વહીવટ સુધર્યો નથી. તેની પ્રતીતિ તો શાહપુરની ઘટનાથી થઇ ગઇ છે. પરંતુ રિનોવેશન દરમ્યાન એક મહિનો મુખ્યાલયની બિલ્ડિંગના ભોંયતળિયે બેસનાર ચેરમેન, શાસનાધિકારી નવીનીકરણ કરાયેલી ઓફિસમાં બેઠા બાદ છ મહિને પણ સીસીટીવી કેમેરા સાચવીને સમયસર ચાલુ કરાવી શક્યા નથી. જેના કારણે શાળાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવ્યા બાદ ચેરમેન ચૌહાણ અને શાસનાધિકારી દેસાઇ આ સીસીટીવી કેમેરાઓને લુખ્ખાં તત્ત્વોથી સાચવી શકશે કે કેમ તેવી ચર્ચા ઊઠી છે.

You might also like