બેગનો નમૂનો જોયા વિના સ્કૂલ બોર્ડના શાસકોએ ટેન્ડર મંજૂર કર્યું!

અમદાવાદ: અમદાવાદ શહેરના કોર્પોરેશનમાં સતત ત્રણ-ત્રણ ટર્મથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે, પરંતુ કોર્પોરેશનના ટોચના પદાધિકારીઓ માટે ડગલે અને પગલે હાઇકમાન્ડનો ઇશારો જોવાનું ફરજિયાતપણે છે. હાઇકમાન્ડની લીલી ઝંડી મળે તો સોયના કાણામાંથી હાથીનો હાથી પસાર થઇ જાય અને હાઇકમાન્ડની અનિચ્છા હોય તો હાથીનું પૂંછડું પણ અટવાઇ જાય, જોકે આના કારણે અનેક વિવાદાસ્પદ નિર્ણયો શાસકો દ્વારા લેવાઇ જાય છે. તાજેતરમાં મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓ માટેની સ્કૂલબેગની ખરીદીના ટેન્ડરને અપાયેલી લીલી ઝંડીએ આવો જ વિવાદ સર્જ્યો છે.

મ્યુનિ. મટીરિયલ મેનેજમેન્ટ કમિટી સમક્ષ સેન્ટ્રલ સ્ટોર્સ વિભાગ દ્વારા મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓ માટે કુલ ૧પ,૦૦૦ સ્કૂલબેગને વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટથી ખરીદી કરવાનું ટેન્ડર મંજૂરી માટે મુકાયું હતું. આ માટે લોએસ્ટ ટેન્ડરર કિરણ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝનો પ્રતિસ્કૂલબેગદીઠ રૂ.૧૦૩.પ૦નો ભાવ મંજૂર કરાયો હતો.

અલબત્ત, મટીરિયલ મેનેજમેન્ટ કમિટીએ રૂ.૧પ.પર લાખના ટેન્ડરને ફટાફટ બહાલી પણ આપી દીધી. આ ટેન્ડરને સ્વીકૃતિ આપવામાં મટીરિયલ મેનેજમેન્ટ કમિટીએ એટલી હદે ઉતાવળ કરી કે કમિટીની બેઠકમાં કોઇએ સ્કૂલબેગના નમૂનાને પણ જોવાની તસ્દી લીધી નહીં.

મટીરિયલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન કે એક પણ સભ્યે સંબંધિત અધિકારીઓ પાસેથી મ્યુનિ. શાળાના વિદ્યાર્થીને અપાનારી સ્કૂલબેગનો રંગ કેવો છે, તેમાં કેટલાં ખાનાં છે વગેરે બાબતે અછડતી માહિતી મેળવવાનો પણ પ્રયાસ કર્યો નહીં. સેન્ટ્રલ સ્ટોર્સ વિભાગની દરખાસ્તમાં સ્કૂલબેગને ક્રીમ રંંગની દર્શાવાઇ હતી એટલે કમિટીએ માની લીધું કે સ્કૂલબેગ તો તે જ રંગની હશે!

દરમિયાન જે તે કમિટીના જે તે કામોની દરખાસ્તમાં ભાજપ હાઇકમાન્ડના ઇશારે જ જે તે કમિટીના ચેરમેન ચાલતા હોઇ મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓ માટેની સ્કૂલબેગ જોવાની તસ્દી લેવાઇ ન હતી, કેમ કે ઉપરથી આનો કોન્ટ્રાકટ જે તે પાર્ટીને આપવાનો નિર્ણય લેવાઇ ગયો હતો (!) તેવી ટીકા-ટિપ્પણી મ્યુનિ. ભાજપ કાર્યાલયનાં સૂત્રોએ કરી છે.

You might also like