ફી મામલે હવેથી નહીં ચાલે સ્કૂલોની મનમાની, વિધાનસભામાં ફી નિયમન સુધારા બિલ પાસ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં ફી નિયમન સુધારા બિલ પસાર કરવામાં આવ્યું છે. બિલમાં સમાવવામાં આવેલી બાબતો અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે,  CBSE, ઇન્ટરનેશનલ સહિત તમામ બોર્ડને આ બિલ લાગુ પડશે. સરકાર નક્કી કરે એ જ ફી શાળાઓએ લેવી પડશે. અને ખાસ એ કે હવે રાજયની કોઇ પણ શાળા ડોનેશન નહીં લઇ શકે. શાળા દ્વારા કાયદાનો પ્રથમ વખત ભંગ કરવામાં આવશે, તો રૂ.5 લાખ દંડ થશે, શાળાઓ બીજી વાર ભંગ કરે તો રૂ.5થી10 લાખ દંડ થશે, શાળાઓ ત્રીજી વાર કાયદાનો ભંગ કરશે તો માન્યતા કરાશે રદ્દ. બિલ પ્રમાણે પ્રાથમિક વિભાગમાં વાર્ષિક રૂ.15 હજાર ફી,  માધ્યમિક વિભાગમાં વાર્ષિક રૂ.25 હજાર ફી અને ઉ. માધ્યમિક વિભાગમાં વાર્ષિક રૂ.27 હજાર ફી નિર્ધારણ કરવામાં આવી છે.  શાળાઓ માત્ર ફી નિરધારણ મુજબ જ ફી લઇ શકશે.

વધુમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, કલ્પના બહારના ડોનેશનના કારણે આ બિલ લાવવું પડ્યું છે. શાળાના સંચાલકોએ ફી વધારા બાબતે સ્પષ્ટતા કરવી પડશે. વર્ષ 2017-18ના શૈક્ષણિક સત્રથી આ કાયદો લાગુ થશે. વર્ષ 2017-18માં જે શાળાઓએ ફી વધારે લીધી તેને પણ આ કાયદો લાગુ પડશે. જે શાળાઓએ વધારે ફી લીધેલી તે શાળાઓએ ફી આગળના વર્ષે સરભર કરવી પડશે. જે શાળાઓ ફી સરભર નહીં કરે તો તેને બધી જ ફી પરત આપવી પડશે. આ કાયદો પ્લે ગ્રૂપ અને નર્સરીને પણ લાગુ પડશે.

આ માટે ફી નિયમન સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં  ફી નિયમન સમિતિનાં નિર્ણય સામે અપીલ પણ કરી શકાશે. અપીલ માટે ફી સુધારણા સમિતીનું પ્લેટફોર્મ અપાશે. આ સમિતિમાં નિવૃત હાઇકોર્ટ જજ અધ્યક્ષ હશે અને સ્વનિર્ભર શાળાના વ્યવસ્થાપક મંડળમાંથી પણ પ્રતિનિધી હશે. સમિતિમાં એક પ્રતિનિધી સામેલ કરાશે, ચાર્ટર્ડ એકાઉન્ટની સમિતિમાં પણ એક સભ્ય હશે. આ માટે રાજ્યના અલગ અલગ ચાર ઝોનમાં ફી નિયમન સમિતિની રચના કરાઇ.

http://sambhaavnews.com/

You might also like