વિદેશોમાં સુર‌િક્ષત આશ્રય મળતાં કૌભાંડીઓ દેશ છોડી ભાગી જાય છે

દેશમાં નીરવ મોદી અને વિજય માલ્યાના કૌભાંડ જેવા ઘણાં કેસો બહાર આવ્યા છે ત્યારે હવે એક નવી જ બાબત સામે આવી રહી છે. દેશ છોડીને વિદેશ ભાગી જવું અત્યારે એકદમ સરળ છે. જેના માટે વિજય માલ્યા અને નીરવ મોદીના કિસ્સા જાણીતા છે પરંતુ બીજા ઘણા લોકો આ પ્રક્રિયામાં વ્યસ્ત છે.

દુબઈ અને અન્ય ફાઇનાન્શિયલ સેન્ટર ખાતે આવેલી ફર્મ કેટલાક ભારતીય વેલ્થ મેનેજરો, ટેક્સ પ્રેક્ટિશનર અને વકીલોના સંપર્કમાં છે અને વિદેશ ભાગી જવા માંગતા ક્લાયન્ટને શોધતા હોય છે.

એક માહિતી અનુસાર દેશમાં જ્યારથી એનડીએ સરકારે સત્તા સંભાળી છે અને મોદી સરકારે ખાસ કડક પગલાં અને કેટલીક આકરી નીતિ ઘડી છે તેના કારણે દેશમાં જ રહીને દેશ વિરુદ્ધ કૌભાંડ કરનારા અમુક અમીર અને માલેતુજારો માટે આવા કૌભાંડો આચરીને લાંબો સમય દેશમાં રહી શકે તેમ ન હોવાથી આવાં લોકો વિદેશ ભાગવા લાગ્યા છે.

ભારતમાં છેલ્લાં કેટલાંક સમયથી વિવિધ બેન્કોના કૌભાંડ અને અન્ય કેટલાંક ગોટાળા બહાર આવી રહ્યા છે ત્યારે મોદી સરકારે આવા કૌભાંડીઓની શાન ઠેકાણે લાવવા માટે તેમની સામે જે પ્રકારે આકરા પગલા લેવામા આ‍વી રહ્યા છે તેના કારણે નીરવ મોદી કે વિજય માલ્યા જેવા કૌભાંડીઓની દેશમાં રહી શકે તેવી હિંમત જ નહી હોવાથી તેઓ ઈચ્છા છતા દેશમાં રહી શકે તેમ નથી.

ખાસ વાત એ છેકે ધનાઢ્યોને તેઓ ભારતીય પાસપોર્ટ સરન્ડર કરીને બીજા દેશોના પાસપોર્ટ અપાવે છે. આવા લોકો ડોમિનિકા, સેન્ટ લુસિયા, એન્ટિગુઆ, ગ્રેનેડા, સેન્ટ કિટ્સ, માલ્ટા, કે સાઇપ્રસનું નાગરિકત્વ સ્વીકારતા હોય છે. ઘણા સમૃદ્ધ ભારતીયો માટે તે ટેક્સની જાળમાંથી છટકવાનો રસ્તો છે.

તેઓ એવા દેશોમાં ભાગે છે જ્યાં બિઝનેસનું વાતાવરણ સરળ હોય. કેટલાક લોકો ભારતીય કોર્ટ તથા સ્થાનિક એન્ફોર્સમેન્ટ એજન્સીઓની પકડથી છટકવા માટે પણ ભાગી જવાનું પણ આયોજન ધરાવે છે. આઈટીએ આવી કેટલીક અગ્રણી ફર્મનો સંપર્ક કર્યો જે ફક્ત એક લાખ ડોલરથી ૨૪ લાખ ડોલર સુધીનું રોકાણ કરવા બદલ ત્રણથી ચાર મહિનામાં નાગરિકત્વ અપાવે છે.

આ કારણે જ ભારતમાં આવા કૌભાંડ આચરી વિદેશમાં ફરાર થઈ જનારાની સંખ્યામા વધારો થઈ રહ્યો છે. દેશ માટે આ બાબત સારી ગણી શકાય કારણ કે સરકારના ભયના કારણે આવા લોકો દેશમાં રહી શકતા નથી.

વડા પ્રધાન મોદીએ વ્યક્તિઓ અને કોર્પોરેટ્સ પછી તે સ્થાનિક હોય કે એનઆરઆઈહોય તેની પાસેથી કર વસૂલાત વધારે આકરી બનાવતાં આ સ્થિતિ સર્જાઈ છે. સિટિઝનશિપ ઇન્વેસ્ટ નવ વર્ષથી અન્ય રાષ્ટ્રીયતા સ્વીકારવા માટે હજારો લોકોને સલાહ આપી ચૂકી છે.

ચોંકાવનારો ખુલાસો કરતાં અર્ટોન કેપિટલે છેલ્લાં પાંચ વર્ષમાં ૨૦૦ જેટલાં ભારતીય કુટુંબોને આ અંગે સલાહ આપી છે, તેને જાન્યુઆરી ૨૦૧૭થી ઊંચા પ્રમાણમાં ઇન્ક્વાયરી મળી રહી છે, તેનું કારણ નોટબંધી હોઈ શકે, તેમ દુબઈમાં અર્ટોના ખાતેના એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ લીના મોટવાણીએ જણાવ્યું હતું. મોટા ભાગના લોકોમાં કેરેબિયન ટાપુઓ અને તેમાં પણ ખાસ કરીને ડોમિનિકા અને સેન્ટ લુસિયાને લઈને વધારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. તેનું કારણ નીચો અરજી ખર્ચ છે.

આ પાસપોર્ટની મદદથી ૧૨૦ દેશોના વિઝા-મુક્ત પ્રવાસનો ફાયદો મળે છે, તેમા શેનઝેન ઝોન, યુકે, સિંગાપોર, મલેશિયા, હોંગકોંગ અને અન્ય અધિકારક્ષેત્રોનો સમાવેશ થાય છે. આના સિટિઝનશિપ પ્રોગ્રામમાં એક જ અરજદારે સરકારી ફંડમાં એક લાખ ડોલરનું નાણાકીય પ્રદાન આપવાનું હોય છે.

જ્યારે એન્ટિગુઆ અને બાર્બુડામાં સિંગલ અરજદારે ફક્ત ૫૦૦૦૦ ડોલરનો જ ફાળો આપવાનો હોય છે. આ ફાળો સરકારી ફંડ કે રિયલ એસ્ટેટ સ્કીમ માટેનો હોય છે, તેમ કરવાથી ગણતરીના મહિનામાં નાગરિકત્વ મળી જાય છે.

બીજી તરફ હવે લોકસભાની ચૂંટણીને એક વર્ષ જ બાકી રહ્યું છે ત્યારે નરેન્દ્ર મોદી સરકાર જનતામાં ફરી ‍વિશ્વાસ સંપાદન કરવા દેશમાં હાલ જે વાતાવરણ ચાલી રહ્યું છે તેમાંથી આમ જનતાને બહાર લાવી તેમનામાં ભાજપની સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ દૃઢ બને તે માટેના પણ ખાસ પ્રયાસ કરી રહી છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પહેલા હાલમાં જે કેટલાંક લોકો ભાજપથી નારાજ જણાઈ રહ્યા છે તેમને મનાવવા સરકારે પ્રયાસ કરવા પડશે.

You might also like