કોંગ્રેસ ‘સ્કીમ’ની સાથે ‘સ્કેમ’ની શરમ કેમ અનુભવતી નથી?

અમદાવાદ: છાશવારે યુપીએ સરકારની ‘સ્કીમ’ના ગાણા ગાતી કોંગ્રેસે યુપીએ શાસનમાં એકાંતરે આચરેલા ‘સ્કેમ’નો આલ્બમ કેમ ભૂલી જાય છે? તેવો પ્રશ્ન આજે ભાજપ દ્વારા કરાયો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર. સી. ફળદુએ પ્રદેશ પ્રવક્તા આઈ. કે. જાડેજાએ કોંગ્રેસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા વધુમાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના પર્યાયસમી કોંગ્રેસે દેશના અર્થતંત્રને ખોખલું કરી આમ જનતાના માથે મારેલા પાયમાલીના કૃત્યોથી દેશને પારાવાર નુકસાની થઈ છે.

કોંગ્રેસ તેના કરેલા પાપોને વિસારે પાડવા મથે છે પરંતુ જનતા જાણે છે કે, કોંગ્રેસને હૈયે પ્રજાહિત કેટલું સમાયેલું છે.ગુજરાત કોંગ્રેસના નેતાઓની સમાજ વિભાજનની પ્રવૃત્તિઓનો ખેલ પ્રજા સમક્ષ ઉઘાડો પડી ગયો છે. છેલ્લા કેટલાંક મહિનાઓથી કોંગ્રેસ રાજ્યના શાંતિપૂર્ણ નાગરિકોને જ્ઞાતિવાદનું ઝેર પાવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ કોંગ્રેસની ‘ભાગલા પાડો અને રાજ કરો’ અંગ્રેજ નીતિથી રાજ્યનો પ્રજાજનો સુપેરે વાકેફ છે. એટલે છેલ્લા બે દાયકાથી કોંગ્રેસના નુસખા ચાલ્યા નથી તેમ પણ તેઓએ જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યું હતું કે, ચૂંટણી આવવાની હોય ત્યારે કોંગ્રેસને હૈયે પ્રજાહિતની હેલી વરસવા માંડે છે, પરંતુ કોંગ્રેસના માયાવી મૃગજળ જેવી મતની રાજનીતિને ગુજરાતના મતદારો સમજે છે. સરકારની કામગીરીમાં વિક્ષેપ ઊભો કરવો, વિરોધ કરવો એ કોંગ્રેસની પરંપરા રહી છે. જ્યાં જ્યાં સફળતાનો યશ લેવાનો થાય ત્યારે અમારો વાલી-વારસ છે તેમ કહી ગૌરવ લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેમની સરકારે કરેલા ભ્રષ્ટાચારના ભોરિંગો બદલ શરમ કેમ નથી અનુભવતા તે કોંગ્રેસ સ્પષ્ટ કરે.

You might also like