સુપ્રીમ કોર્ટ તરફથી BCCIને થોડી રાહત મળી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું કે બીસીસીઆઇના વહીવટદારોના નામની જાહેરાત ૨૪ જાન્યુઆરીએ કરાશે. આ ઉપરાંત સુપ્રીમે પોતાના અગાઉના એક આદેશમાં સુધારો પણ કર્યો, જે અંતર્ગત કોઈપણ રાજ્ય સંગઠન અને બીસીસીઆઇમાં નવ વર્ષનાે કુલ કાર્યકાળ પૂરો કરનાર વ્યક્તિ ક્રિકેટની આ ટોચની સંસ્થામાં કોઈ પણ પદ સ્વીકારવા માટે અયોગ્ય હશે. સુપ્રીમે હવે આ સમયગાળો નવના બદલે ૧૮ વર્ષનો કરી આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સુધારો કરતાં કહ્યું કે, અધિકારી બીસીસીઆઇ અને રાજ્ય સંઘ બંને સંસ્થાઓમાં નવ નવ વર્ષ એટલે કે ૧૮ વર્ષ સુધી પદ સંભાળી શકે છે.

સુપ્રીમે આ આદેશમાં સુધારા સાથે સ્પષ્ટ કર્યું કે હવે રાજ્ય સંઘ કે બીસીસીઆઇમાં નવ વર્ષના કાર્યકાળને જોડીને વિચાર નહીં કરાય. કુલ કાર્યકાળના મામલામાં કોર્ટના આદેશમાં સુધારાને મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે, કારણ કે આ ચુકાદા બાદ ઘણા પદાધિકારીઓની રાજ્ય કે બીસીસીઆઇમાં વાપસી થઈ શકે છે. આ પહેલાં ગત ૨ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે બોર્ડ અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને સચિવ અજય શિર્કેને પોતાના પદ પરથી હટાવી દીધા હતા.
http://sambhaavnews.com/

You might also like