વૈષ્ણોદેવી આવતા ભાવિકો પાસેથી શ્રાઈન બોર્ડ એક રૂપિયો લઈ શકે છેઃ SC

નવી દિલ્હી: માતા વૈષ્ણોદેવી સુધી ભાવિકોને લઈ જતા ઘોડાગાડી અને ખચ્ચરોના માલિકોના પુનર્વસન માટે સુપ્રીમ કોર્ટે માર્ગદર્શન સાથે સૂચન આપતાં જણાવ્યું છે કે જો વૈષ્ણોદેવી આવતા તમામ ભાવિકો પાસેથી શ્રાઈન બોર્ડ એક રૂપિયો ઉઘરાવે તો તેના દ્વારા જે રકમ એકત્ર થાય તેનાથી ઘોડાગાડી અને ખચ્ચરોના માલિકના પુનર્વસન માટેની યોજના સારી રીતે સાકાર બની શકે તેમ છે.

આ અંંગે જસ્ટિસ મદન બી. લોકુર અને દીપક ગુપ્તાની બેન્ચ સમક્ષ જમ્મુ-કાશ્મીરની સરકાર તરફથી હાજર રહેલા અતિરિકત સોલિસિટર જનરલ મનિંદરજિત સિંહે જણાવ્યું કે આ લોકોના પુનવર્સન માટે વર્ષે ૨.૧ કરોડ ખર્ચ થશે. ત્યારે ગત ૨૪મી એપ્રિલે મળેલી કેબિનેટની બેઠકમાં આ મુદા પર ચર્ચા થઈ હતી. પરંતુ તે વખતે શ્રાઈન બોર્ડે આટલી રકમનો ખર્ચ કરવાની જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી દીધા હતા. અને તે વખતે બેન્ચે એવી ટકોર કરી હતી કે માતા વૈષ્ણોદેવી આવી બાબતે એવું નહિ જણાવે કે આ અંગે કાયદો શું છે?

બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે દરરોજ અહીં ૫૦ હજાર ભાવિકો દર્શન માટે આવે છે. અને આ રીતે વર્ષમાં તેમની સંખ્યા ૧.૮૦ કરોડ થાય છે. તેથી જો વૈષ્ણોદેવી આવતા તમામ ભાવિકો પાસેથી શ્રાઈન બોર્ડ એક રૂપિયો ઉઘરાવે તો તેના દ્વારા જે રકમ એકત્ર થાય તેનાથી ઘોડાગાડી અને ખચ્ચરોના માલિકના પુનર્વસન માટેની યોજના સારી રીતે સાકાર બની શકે તેમ છે. જોકે આ સૂચન વખતે સુપ્રીમ કોર્ટે એવી ખાસ અપીલ કરી હતી કે આવી રકમ કોઈના ખિસ્સામાં જતી ન રહે અથવા કોઈ ગેરરીતિ ન થાય તે ખાસ જોવા જણાવ્યુ છે.

આ અંગે શ્રાઈન બોર્ડ તરફથી મુકુલ રોહતગીએ જણાવ્યુ કે આ અંગે બોર્ડને વાકેફ કરવામાં આવશે.જો આ બાબત કાયદાકીય રીતે થઈ શકતી હોય તો તે અંગે સાથે બેસી કોઈ સમાધાન કાઢી શકાશે.આ કેસની વધુ સુનાવણી જુલાઈમાં રાખવામાં આ‍વી છે.

You might also like