બિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે બિહારનાં ૩.પ૦ લાખ કોન્ટ્રાક્ટ શિક્ષકોને ફટકો લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે બિહાર સરકારની અપીલને માન્ય રાખીને પટણા હાઇકોર્ટના ચુકાદાને રદબાતલ ઠરાવ્યો છે. હાઇકોર્ટે સમાન કામ માટે સમાન વેતનની માગણીને લઇ આંદોલનકારી શિક્ષકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેના વિરુદ્ધ બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

આ અગાઉ સુપ્રીમ કોર્ટે આ કેસને લઇ ૧૧ પિટિશન પર સુનાવણી હાથ ધરી હતી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ૩ ઓક્ટોબર, ર૦૧૮નાં રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારથી સુપ્રીમ કોર્ટનાં આ ચુકાદાની લાખો કોન્ટ્રાક્ટ શિક્ષકો આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યાં હતાં, પરંતુ બિહારનાં ૩.પ૬ લાખ શિક્ષકોની આશા પર સુપ્રીમ કોર્ટે પાણી ફેરવી દીધું હતું.

બિહારમાં સમાન કાર્ય માટે સમાન વેતનની માગણીને કોન્ટ્રાક્ટ પર કામ કરતા ૩.પ૦ લાખ કરતાં વધુ શિક્ષકો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા હતા. આ અગાઉ પટણા હાઇકોર્ટે શિક્ષકોની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો હતો અને બિહાર સરકારને આ શિક્ષકોને સમાન પગાર આપવા આદેશ કર્યો હતો, જોકે બિહારની ની‌તીશકુમારની સરકારે પટણા હાઇકોર્ટનાં નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીને તેને પડકાર્યો હતો.

You might also like