હાર્દિકના મામલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ સામે નોંધાયેલા રાજદ્રોહનો ગુનો રદ કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે. જે અંગે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને તપાસ કરતી સંસ્થાને નોટિસ ફટકારીને પાંચ જાન્યુઆરી પહેલા જવાબ રજૂ કરવા જણાવ્યું હતું.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા પાસના કન્વીનર અને યુવા અગ્રણી હાર્દિક પટેલ સામે સુરતમાં ઉશ્કેરણીજનક ભાષણના મામલે રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરીને રાજદ્રોહની કલમ દૂર કરવાની માંંગણી કરાઈ હતી. જેમાં હાઈકોર્ટે તેમની માંગણી માન્ય રાખી ન હતી. જેથી હાર્દિક પટેલ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપીલ સિબ્બલને રોકવામાં આવ્યા હતા. સિબ્બલ મારફત સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલ સામે લગાવાયેલી રાજદ્રોહની કલમ દૂર કરવા માટે પિટિશન કરવામાં આવી હતી.

આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે ગુજરાત સરકાર અને તપાસ કરતી સંસ્થા (પોલીસ તંત્ર)ને નોટિસ ફટકારીને તેમનો જવાબ આગામી તા. પાંચમી જાન્યુઆરી પહેલાં રજૂ કરવા જણાવ્યું છે. તાજેતરમાં હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા હાર્દિક સામે લગાવાયેલી રાષ્ટ્રદ્રોહના ગુનાની કલમ ૧ર૧ને રદ કરવામાં આવી હતી. તેમજ કોર્ટે રાજદ્રોહ અને ષડયંત્રની કલમ હેઠળ તપાસ કરવાની પોલીસને છૂટ આપી હતી. હાર્દિક ઉપર લગાવાયેલી કલમ ૧ર૧-એ અને ૧ર૪-એ હજુ પણ યથાવત રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાસના કન્વીનર હાર્દિક પટેલ અને તેના સાથીઓ દિનેશ બાંભણિયા, કેતન પટેલ અને ચિરાગ પટેલ હાલ જેલમાં બંધ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાર્દિક પટેલ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધવામાં આવી છે.

You might also like