વંદે માતરમને જન ગણ મન જેવો દરજ્જો આપી શકાય નહીંઃ સુપ્રીમ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રગીત વંદે માતરમ્ અને રાષ્ટ્રગાન જન ગણ મનને એક સરખો દરજ્જો આપવા ઇન્કાર કર્યો છે. ન્યાયમૂર્તિ દીપક મિશ્ર, ન્યાયમૂર્તિ આર. ભાનુમતી અને ન્યાયમૂર્તિ એસ.એમ.મલ્લિકાર્જુનની ત્રણ સભ્યોની સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું છે કે બંધારણના અનુચ્છેદ પ૧-એ એટલે કે મૌલિક ફરજો હેઠળ માત્ર રાષ્ટ્રગાન જન ગણ મન અને રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાનો ઉલ્લેખ છે અને તેથી રાષ્ટ્રગીત વંદે માતરમને ફરજિયાત બનાવી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી ભાજપના નેતા અને વ્યવસાયે વકીલ અશ્વિની ઉપાધ્યાયની પિટિશન પર કરી હતી અને તેમની આ પિટિશનને ફગાવી દીધી હતી. આ પિટિશનમાં ઉપાધ્યાયે એવી દાદ માગી હતી કે તમામ શાળાઓમાં વંદે માતરમ્ ગાવાનું ફરજિયાત કરવું જોઇએ. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને પ્રમોટ કરવા નેશનલ પોલિસી બનાવવાની માગણી કરી હતી.

રાષ્ટ્રગીતની અનિવાર્યતાને લઇને કેટલાક ધાર્મિક સંગઠનો વિરોધ કરી રહ્યા છે. પિટિશનમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે સરકારી કાર્યાલયો, અદાલતો, વિધાન પરિષદ અને સંસદમાં રાષ્ટ્રગાન એટલે કે જન ગણ મન ફરજિયાત કરવું જોઇએ. આ માગણી પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

અદાલતે જણાવ્યું છે કે જન ગણ મનને લાગે વળગે છે ત્યાં સુધી અમે કોઇ વિવાદમાં પડવા માગતા નથી. જોકે સુપ્રીમ કોર્ટે શાળામાં જન ગણ મન ફરજિયાત કરવા સંબંધીત માગણી પર સુનાવણી કરવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે વંદે માતરમ્ને શાળાના અભ્યાસક્રમનો ભાગ બનાવવા માટે કેન્દ્ર સરકારનો અભિપ્રાય પણ માગ્યો છે.
http://sambhaavnews.com/

You might also like