SCની ‘પદ્માવત’ને લીલી ઝંડી, રાજ્યોને પ્રતિબંધ મૂકવાનો કોઈ હક નથી

સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘પદ્માવત’ પર ચાર રાજ્યોમાં લાગેલા પ્રતિબંધ અંગે સુપ્રિમ કોર્ટમાં ઘણી ઉંડી ચર્ચા થઈ હતી. વકીલ હરીશ સાલ્વેએ કોર્ટમાં પ્રોડ્યૂસર તરફથી રજૂઆત કરી હતી કે, ‘સેન્સર બોર્ડ તરફથી ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી મળી ગઈ છે. તેમ છતાં ચાર રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે બિનબંધારણીય છે.’ જો કે સોમવારે ફરીથી સુનાવણી થશે.

વકીલ સાલ્વેએ કહ્યું હતું કે, ‘રાજ્યો દ્વારા પ્રતિબંધ લગાવવો તે સિનેમેટોગ્રાફી એક્ટનો ભંગ છે. રાજ્યોને આ પ્રકારનો કોઈ હક નથી. કાયદાની આડમાં રાજકીય નફો નુકશાનનો ખેલ રચાઈ રહ્યો છે.’

જો કે સોમવારે થનાર સુનાવણીમાં પ્રતિબંધ મૂકનાર રાજ્યો પોતાની દલીલ રજૂ કરશે. ‘પદ્માવત’ના પ્રોડ્યૂસર દેશભરના થિએટરોમાં 24 જાન્યુઆરીએ તેનો પેડ પ્રિવ્યૂ ગોઠવશે. જેના કારણે પ્રોડ્યૂસરને ફિલ્મ વિશે ફેલાયેલી ખોટી અફવાઓને સાબિત કરવાનો મોકો મળશે.

સેન્સર બોર્ડની મંજૂરી બાદ પણ હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારે આ ફિલ્મના રિલીઝ થવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે હજુ ગોવા, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકાય તેવી શક્યતા છે.

આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, ત્યારથી જ રાજપૂત સંગઠનો અને કરણી સેના દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કરણી સેનાનું કહેવું છે કે, ફિલ્મ પદ્માવતીમાં રાણી પદ્માવતીના પાત્ર સાથે અને ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે.

જો કે ફિલ્મ થોડા ફેરફારો સાથે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું નામ ‘પદ્માવતી’ને બદલે ‘પદ્માવત’ કરવામાં આવ્યું છે. ફિલ્મના ગીત ઘૂમરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

You might also like