સિગારેટ પીવાથી કેન્સર થાય છે એવા કોઈ પુરાવા છે?: સુપ્રીમ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન એવો પ્રશ્ન પૂછ્યો છે કે એવા કોઇ નક્કર પુરાવા છે કે જે એવું પુરવાર કરે છે કે સિગારેટ પીવાથી કેન્સર થાય છે. સિગારેટના પેકેટને અનાકર્ષક બનાવવા માટે દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે ધૂમ્રપાનથી કેન્સર થાય છે એવું ચોક્કસપણે કહી શકાય છે ખરું?

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ ટી. એસ. ઠાકુર અને ન્યાયમૂર્તિ યુ. યુ. લલિતની બનેલી બેન્ચે અરજદાર તરફથી હાજર રહેલા વકીલ ઐશ્વર્યા ભાટીને પૂછ્યું હતું કે સિગારેટથી કેન્સર થાય છે એવું તમે કઇ રીતે સાબિત કરશો? કેટલાય લોકો એવા છે કે જેઓ ધૂમ્રપાન નહીં કરતા હોવા છતાં તેમને કેન્સર થાય છે અને બીજા એવા પણ લોકો છે કે જેઓ સિગારેટ પીતા હોવા છતાં આખી જિંદગી સ્વસ્થ રહે છે.

આ ટિપ્પણી કર્યા બાદ બેન્ચે કેન્દ્રનો જવાબ માગ્યો છે. આ અરજી અલ્હાબાદમાં રહેતા ૬૬ વર્ષીય વકીલ ઉમેશ નારાયણ શર્માએ દાખલ કરી છે. તેઓ સ્વયં ગુટખા અને સિગારેટના વ્યસની હતા. તેમને જીભ અને મોંનું કેન્સર થયું છે અને તેઓની મુંબઇની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉમેશના કહેવા મુજબ એક અંદાજ અનુુસાર ર૦ર૦ સુધીમાં સિગારેટ અને તમાકુના સેવનથી દુનિયાભરમાં ૧પ લાખ લોકો મૃત્યુ પામશે.

You might also like