SBI એવરેજ બેલેન્સ નહીં રાખનાર સામે લેવામાં આવતા ચાર્જિસની સમીક્ષા કરશે

મુંબઇ: જાહેર ક્ષેત્રની અગ્રણી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે બેન્ક દ્વારા ખાતામાં માસિક એવરેજ બેલેન્સ નહીં રાખનાર સામે લગાવવામાં આવતા ચાર્જિસની સમીક્ષા કરાઇ રહી છે. બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર રજનીશકુમારે કહ્યું કે અમને આ સંબધે ખાતાધારકોની ફરિયાદો મળી છે. આ ફરિયાદોની સમીક્ષા કરી રહ્યા છીએ. આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે સિનિયર સિટીઝન અને વિદ્યાર્થીઓ જેવી કેટલીક કેટેગરીના બેન્ક ખાતાધારક ઉપર લાદવામાં આવતા ચાર્જિસ સંબંધે પણ વિચારણા કરવામાં આવી રહી છે.

એસબીઆઇએ પાંચ વર્ષના સમયગાળા બાદ ચાલુ વર્ષ એપ્રિલથી માસિક એવરેજ બેલેન્સ નહીં રાખનાર ખાતાધારક પર ચાર્જિસ ફરી એક વાર લાદવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત માસિક એવરેજ બેલેન્સ નહીં રાખનાર પર ૧૦૦ રૂપિયા ચાર્જિસ અને જીએસટી લાદવાની જોગવાઇ કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં માસિક એવરેજ બેલેન્સ પાંચ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જો આ બેલેન્સના ૫૦ ટકા રકમ ઓછી હોય તો ૫૦ રૂપિયા તથા જીએસટી તથા રૂ. ૫૦૦૦ના ૭૫ ટકા ઓછી રકમ હોય તો ૧૦૦ રૂપિયા ચાર્જિસ અને જીએસટીની જોગવાઇ કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારો માટે માસિક એવરેજ બેલેન્સ રૂ. ૧૦૦૦ નક્કી કરવામાં આવ્યું છે. જો આ એવરેજ બેલેન્સ નહીં રાખનાર ખાતાધારક સામે પણ ચાર્જિસ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. એવરેજ બેલેન્સ નહીં રાખનાર સામે ૨૦થી ૨૫ રૂપિયા ચાર્જિસ સહિત જીએસટી લેવાની જોગવાઇ કરવામાં આવી છે.

બેન્કના મેનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે બેન્કની પાસે ૪૦ કરોડથી પણ વધુ બચત ખાતાં છે, જેમાંથી ૧૩ કરોડથી વધુ બેન્ક ખાતાં બેઝિક સેવિંગ્સ ડિપોઝિટ તથા પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત આ ખાતાંઓ છે. આવા ખાતાધારકોને માસિક બેલેન્સની શરતમાંથી બહાર રાખવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ૨૭ કરોડ ખાતાધારકમાંથી ૧૫થી ૨૦ ટકા માસિક એવરેજ બેલેન્સ મેઇન્ટેન કરતા નથી. બેન્કે મે મહિનામાં માસિક એવરેજ બેલેન્સ નહીં રાખનાર સામે રૂ. ૨૩૫ કરોડ ચાર્જિસના વસૂલ્યા હતા.

You might also like