સ્ટેટ બેન્કે IMPS ચાર્જ ૮૦ ટકા સુધી ઘટાડ્યા

નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ નેટ બેન્કિંગનો ઉપયોગ કરનાર ગ્રાહકો માટે એક મોટી જાહેરાત કરી છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને મોટી રાહત આપીને ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ ચાર્જિસ (આઇએમપીએસ)માં ૮૦ ટકા જેટલો જંગી ઘટાડો કર્યો છે. આનો અર્થ એ થયો કે હવે ગ્રાહકો માટે ઓનલાઇન મની ટ્રાન્સફર સાવ સસ્તું બની જશે. નવા દર ૧૫ ઓક્ટોબરથી અમલમાં આવી ગયા છે.

નેટ બેન્કિંગ દરમિયાન આઇએમપીએસ સર્વિસ હેઠળ રૂ. એક હજાર સુધીનું ફંડ ટ્રાન્સફર કરવા માટે કોઇ ચાર્જ લાગશે નહીં, જ્યારે રૂ. એક હજાર એકથી રૂ. ૧૦ હજાર સુધીના ફંડ ટ્રાન્સફર માટે હવે માત્ર એક જ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. રૂ. ૧૦ હજારથી રૂ. એક લાખ સુધીના ફંડ ટ્રાન્સફર માટે માત્ર બે રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે અને રૂ. એક લાખથી રૂ. બે લાખ સુધી ફંડ ટ્રાન્સફર કરવા માત્ર રૂ. ત્રણનો ચાર્જ લાગશે.

આઇએમપીએસ દ્વારા ગ્રાહકો ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી ૨૪ કલાક અને સાતેય દિવસે ક્યારેય પણ ફંડ ટ્રાન્સફર કરી શકે છે. સામાન્ય રીતે ઇન્ટરનેટ બેન્કિંગ માત્ર બેન્કિંગના કલાકો પૂરતું જ સીમિત હોય છે, પરંતુ આઇએમપીએસ સેવા રજાના દિવસે અથવા તો દિવસ-રાત ગમે ત્યારે ઉપલબ્ધ હોય છે. આમ, હવે એસબીઆઈના પગલે અન્ય બેન્કો પણ તેને અનુસરીને ઓનલાઇન બેન્કિંગના ચાર્જ ઘટાડશે તેવા નિર્દેશ મળી રહ્યા છે.

You might also like