SBIએ હોમ લોન સસ્તી કરીઃ ત્રણ બેન્કે MCLR ઘટાડ્યો

(એજન્સી)નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કે તમામ સમયાવધિની લોન માટે એમસીએલઆરમાં ૦.૦૫ ટકાનો કાપ મૂકવાની જાહેરાત કરી છે. આ સાથે એસબીઆઇએ હોમ લોનના વ્યાજદરમાં પણ કાપ મૂકવાની જાહેરાત કરી છે. આ નવા દર ૧૦ એપ્રિલથી અમલી બનશે.

બેન્કોનું આ પગલું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ગત સપ્તાહે પોતાની દ્વિમાસિક મોનેટરી પોલિસી રિવ્યૂમાં રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઇન્ટના કાપના પગલે ભરવામાં આવ્યું છે. એસબીઆઇએ એક વર્ષની લોન પર એમસીએલઆર દર ૮.૫૫ ટકાથી ઘટાડીને ૮.૫ ટકા કર્યો છે. એસબીઆઇએ પોતાની હોમ લોન પણ વાજબી બનાવી છે.

બેન્કે રૂ. ૩૦ લાખ સુધીની હોમ લોનના વ્યાજદરમાં ૧૦ બેઝિસ પોઇન્ટનો કાપ મૂક્યો છે. ૩૦ લાખ રૂપિયાથી ઓછી રકમની હોમ લોન પર હવે વ્યાજદર ૮.૬૦ ટકાથી લઇને ૮.૯૦ ટકા પ્રતિવર્ષ રહેશે. અગાઉ આ દર ૮.૭૦ ટકાથી ૯ ટકા હતો.

ઇન્ડિયન ઓવરસીઝ બેન્કે પણ એક વર્ષની લોન પર એમસીએલઆર પર આધારિત વ્યાજદર ઘટાડીને ૮.૬૫ ટકા કર્યો છે. બે અને ત્રણ વર્ષની લોન પર એમસીએલઆર અનુક્રમે ૮.૭૫ અને ૮.૮૫ ટકા રહેશે. ગત સપ્તાહે જાહેર ક્ષેત્રની બેન્ક ઓફ મહારાષ્ટ્રે એમસીએલઆર ૦.૦૫ ટકા ઘટાડીને ૮.૭૦ ટકા કર્યો હતો.

આરબીઆઇની મોનેટરી પોલિસીમાં રેપો રેટ ઘટાડ્યા બાદ કુલ ત્રણ બેન્ક એસબીઆઇ, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રે એમસીએલઆરમાં કાપ મૂક્યો છે.

આમ, હવે બેન્કોએ લોનને રેપો રેટ સાથે લિંક કરી દીધી છે અને તેના કારણે એસબીઆઇએ સેવિંગ રેટમાં પણ ફેરફાર કર્યો છે. હવે એક લાખ સુધીના બેલેન્સ પર ૩.૫ ટકાના દરે વ્યાજ મળશે, જ્યારે રૂ. એક લાખ કરતાં વધુના બેલેન્સ પર ૩.૨૫ ટકા વ્યાજ મળશે. આ નવા દર ૧ મે, ૨૦૧૯થી લાગુ પડશે.

You might also like