SBIને બોંબથી ઉડાવી દેવાની ધમકી

વડોદરા : ‘આજ દોપહેર કો બેંક કો બોમ્બસે ઉડા દેંગે’ તેવો ધમકીભર્યો પત્ર માંડવી ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખાના ચીફ મેનેજરને મળતાં પોલીસ તંત્રએ દોડધામ કરી મૂકી હતી. નોંધનીય છે કે, સોમવારે બ્રાઇટ હાઇસ્કૂલ, એક્સિસ બેંક તેમજ મ્યુનિસિપલ કમિશનરની ગાડીને બોંબથી ઉડાવી દેવાનો ધમકીભર્યો નનામો જે પત્ર મળ્યો હતો તે પત્ર જેવા જ અક્ષર અને લખાણ એસબીઆઇના પત્રમાં છે. એસબીઆઇને મળેલા પત્રમાં તફાવત માત્ર એટલો છે કે તેમાં ધમકી આપનાર તરીકે કોમર્સ કોલેજના વડોદરાના ત્રણ પ્રોફેસરોના ના લખ્યા છે, પોલીસે પત્ર કબજે કરીને વિકૃત આનંદ લઇ રહેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં તાજેતરમાં ધમકીભર્યો પત્ર મળવાની આ આઠમી ઘટના છે. છેલ્લા એક માસના સમયગાળા દરમિયાન શહેરની ખાનગી અને સરકારી ઇમારતોને બોંબથી ઉડાવી દેવાની ધમકીભર્યા પત્ર લખીને પોલીસ તંત્રની ઉંઘ હરામ કરી રહેલા અજાણ્યા શખ્સે માંડવી ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખાને બોંબથી ઉડાવી દેવાનો આઠમો પત્ર મોકલ્યો હતો.

બપોરે ૧ વાગે બેંકના ચીફ મેનેજર આર.પી. પાંડરીયાને પોસ્ટમાં આવેલો બેંકને ઉડાવી દેવાનો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં આશરે ૧૫ લીટીમાં લખેલો પત્ર મળતાં તેઓ ચોંકી ઉઠયા હતાં. પત્રમાં સહી જે.કે. શ્યાન પ્રોફેસર ઓફ કોમર્સ કોલેજ, ઝેડ.પી. વ્યાસ કોમર્સ કોલેજ, વડોદરા અને એ.આર. હિંગોરાની પ્રોફેસર ઓફ કોમર્સ કોલેજ, વડોદરાની છે. બેંકના ચીફ મેનેજરે સમય બગાડયા વિના તુરત જ શહેર પોલીસ કંટ્રોલને પત્ર અંગેની

જાણ કરી હતી. તે બાદ બાજુમાં જ આવેલી સીટી પોલીસ મથકમાં જાણ કરતાં પી.આઇ. વી.પી. પરમાર સ્ટાફ સાથે દોડી આવ્યા હતાં. આ સાથે તેમણે બોંબ સ્કવોડ અને ડોગ સ્કવોડને જાણ કરતાં બંને ટીમો જરૃરી સાધનો સાથે બેંકમાં આવી પહોંચી હતી. અને બેંકના મુખ્ય ગેટ, પાર્કિંગ, દાદર તેમજ બેંકના તમામ ચાર માળની ઓફિસોના ખૂણે ખૂણે તપાસ કરી હતી. જો કે દોઢ કલાકની તપાસ બાદ વાંધાજનક કોઇ વસ્તુ મળી ન આવતા પોલીસ તંત્ર અને બેંકના ચીફ મેનેજર સહિત કર્મચારીઓએ રાહત અનુભવી હતી.

બેંક ખુલતાની સાથે જ ખાતેદારોથી ધમધમતી બેંકમાં બપોરે પોલીસ કાફલો ડોગ સ્કવોડ અને બોંબ સ્કવોડ સાથે આવી પહોંચતા, ખાતેદારો પણ ચોંકી ઉઠયા હતાં. એક તબક્કે ખાતેદારોમાં પણ ગભરાટ ફેલાઇ ગયો હતો. જો કે બેંક કર્મચારીઓએ બોંબના ધમકીભર્યા પત્રની પરવા કર્યા વિના તપાસ પૂર્ણ થતાં જ કામગીરી ચાલુ કરી દીધી હતી.

 

બેંકના ચીફ મેનેજર આર.પી. પાંડરીયાએ જણાવ્યું હતું કે, બેંકને બોંબથી ઉડાવી દેવાનો ધમકીભર્યો પત્ર બપોરે ૧ વાગે મળ્યો હતો. ટપાલ સવારે આવે તો તે સમયે પત્ર હાથમાં ન આવ્યો ? તેવા એક સવાલમાં તેમણે જણાવ્યું કે, બેંકમાં સતત ટપાલ આવ્યા જ કરતી હોય છે, ધમકીવાળી ટપાલ બપોરે ૧ વાગે મારા ટેબલ ઉપર આવી હતી. ટપાલ ખોલીને વાંચ્યા બાદ તુરત જ પોલીસને જાણ કરી હતી.

You might also like