હીટ સ્ટ્રોકથી બચો

ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં જો સૌથી વધારે ઘાતક કોઇ બીમારી હોય તો તે છે હીટ સ્ટ્રોક. હીટ સ્ટ્રોકનાં લક્ષણોને ઓળખીને જો તરત જ વ્યક્તિને તેની સારવાર આપવામાં આવે તો એક અમૂલ્ય જિંદગી બચી શકે છે. તમારી આસપાસમાં જો કોઇ વ્યક્તિને હીટ સ્ટ્રોક આવે તો તેને બચાવવા શું કરવું તેનું જ્ઞાન તમને હોવું જોઇએ. તમારા પોતાના માટે પણ તમારે તે જાણવું જરૂરી છે. ગરમીની સૌથી ઘાતક બીમારી ગણાતા હિટ સ્ટ્રોકમાં ૨૦ ટકા દરદીઓ મૃત્યુ પામે છે. શરીરનું તાપમાન ૪૦ સેન્ટીગ્રેડથી વધી જાય તો શરીરનું ટકવું મુશ્કેલ બની જાય છે. આ સંજોગોમાં શરીર પોતાની જાતે ઠંડું પડી શકતું નથી અને વ્યક્તિની જે હાલત થાય છે તેને હીટ સ્ટ્રોક કહે છે.

રિસ્ક કોને વધુ?
અમદાવાદના ફિઝિશિયન હિમાંશુ શાહ કહે છે કે, “નાનાં બાળકો અને ૬૦ વર્ષની ઉંમરથી મોટા લોકો તેમજ મેદસ્વી, ઓવરવેઇટ, ઊંઘની તકલીફ હોય તેવા લોકો, સાઇકિયાટ્રિક પ્રોબ્લેમવાળા લોકો અને ડાયાબિટીસના દર્દીઓને હીટ સ્ટ્રોક આવવાનું જોખમ વધુ રહે છે. આ ઉપરાંત જે વ્યક્તિ અગાઉ ક્યારેક હીટ સ્ટ્રોકનો ભોગ બની હોય તેને પણ હીટ સ્ટ્રોક આવવાનું જોખમ હોય છે. હાઇપર ટેન્શન કે માઇગ્રેન કે સાઇકિયાટ્રિસ્ટ ડિસઓર્ડર, અસ્થમા જેવા રોગમાં અપાતી દવાઓ વ્યક્તિમાં હીટ સ્ટ્રોકનું જોખમ વધારે છે.

લક્ષણો
વધારે પરસેવો વળતો હોય અને પરસેવો થતો બંધ થઇ જાય, ધબકારા એકદમ બંધ પડી ગયા હોય તેવું અનુભવાય, શ્વાસ લેવામાં તકલીફ, સ્નાયુઓ ખેંચાઇ જાય, ચામડી સૂકી, ગરમ અને લાલ થઇ જાય, ઊલટી થાય, ઉબકા આવે આ ઉપરાંત અમુક માનસિક લક્ષણો દેખાય જેમ કે, માથાનો દુખાવો, કન્ફ્યુઝન, કોઓર્ડિનેશનનો પ્રોબ્લેમ, આંચકી આવવી, ચક્કર અને એન્ગ્ઝાઇટી.

એક્સરસાઇઝ કરતા કાળજી રાખો
જે વ્યક્તિ કોઈ પણ પ્રકારનો શારીરિક શ્રમ કે એક્સરસાઇઝ કરતી હોય તેણે ઉનાળામાં ખાસ કાળજી રાખવી પડે છે. શરીરનું તાપમાન જાળવી રાખવું એક ચેલેન્જ બની જાય છે. એક્સરસાઇઝ કરો ત્યારે મેટાબોલિઝમ હીટ જનરેટ કરે છે. આ હીટ દરમ્યાન ૭૫ ટકા એનર્જી બળી જાય છે અને શરીરનું તાપમાન વધી જાય છે. પરસેવો પણ એટલે જ થાય છે. આ દરમિયાન હાઇડ્રેટ રહેવું અત્યંત જરૂરી છે.

સ્ટ્રોકથી બચો
* તડકામાં બહાર નીકળો ત્યારે હાઇડ્રેશનનું ધ્યાન અચૂક રાખો.
* સતત પાણી કે લીંબુ શરબત પીતા રહો
* પાણીની બોટલ સાથે જ રાખો.
* સતત પાણી પીતા હોવ તો હીટ સ્ટ્રોકની શક્યતાને નિવારી શકાય છે.
* વ્યક્તિને ડાયાબિટીસ કે સાઇકિયાટ્રિક પ્રોબ્લેમ હોય અથવા ૬૦થી વધુ ઉંમર હોય તેણે સાવચેત રહેવું.

સ્ટ્રોક આવે તો શું કરશો?
* સ્ટ્રોક આવે અને તાત્કાલિક સારવાર મળે તો દર્દીને બચાવવો શક્ય છે.
* દર્દીને તડકામાંથી કે ગરમીવાળી જગ્યાએથી ઠંડા વાતાવરણમાં લાવવો.
* કપડા પર ઠંડું પાણી નાખો અથવા કપડાં કાઢીને ઠંડાં કપડાં કે ટુવાલમાં વીંટાળો.
* બરફની થેલી દર્દીની ગરદનની બંને બાજુએ, બગલ નીચે, બંને હાથનાં કાંડાં અને બંને પગની એડી નીચે રાખો.
* ઠંડું પાણી પીવડાવો અને ધબકારા નોંધતા રહો.

ભૂમિકા ત્રિવેદી

You might also like