સાવરકુંડલા હાઈવે પર કાર પલટી જતાં સગાં ભાઈ-બહેનનાં મોત

અમદાવાદ: ભાવનગર જિલ્લાના જેસર નજીક કાર પલટી જતાં માણાવદરનાં રહેવાસી સગાં ભાઇ-બહેનનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. એકને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામે રહેતા હરપાલસિંહ ચૂડાસમા, આશાબા ચૂડાસમા અને ઇન્દ્ર‌િજતસિંહ પોતાની કાર લઈ સાવરકુંડલાથી કુકડ ગામ તરફ જઇ રહ્યાં હતાં ત્યારે ભાવનગર જિલ્લાના જેસર નજીક પુરઝડપે જઇ રહેલ કાર પલટી ગઈ હતી.

સર્જાયેલા અકસ્માતમાં કારમાં બેઠેલા હરપાલસિંહ ચૂડાસમા (ઉ.વ.૩૫) અને તેમનાં બહેન આશાબા ચૂડાસમા (ઉં.વ.૩૩)ને ગંભીર ઇજા થતાં બંન્નેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે ઇન્દ્ર‌િજતસિંહને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

બનાવની જાણ થતાં જેસર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતના પગલે પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.

You might also like