ગાંગુલી-ધોની જેવો ચમત્કાર વિરાટ કોહલી કરી શકશે?

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટ માટે એમ. એસ. ધોનીના સ્થાને વિરાટને કેપ્ટન બનાવવાની વકીલાત કરીને એક નવી ચર્ચા છેડી નાખી છે. એક તરફ જ્યાં ઘણા દિગ્ગજો વિરાટના સમર્થનમાં ઊભા છે તો ઘણા ભૂતપૂર્વ ક્રિકેટર હજુ તેને જવાબદારીઓ ના સોંપવાની વાત કરી રહ્યા છે, પરંતુ જો વિરાટ કોહલીને નેતૃત્વ સોંપવામાં આવે તો શું તે ગાંગુલી અને ધોનીની જેમ ટીમ ઇન્ડિયાને સફળતા અપાવી શકશે ખરો? ભારતીય કેપ્ટન ધોનીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં ટોચના સ્થાને બિરાજી ચૂકી છે. ઘણી વખત એવું પણ બન્યું છે કે તણાવપૂર્ણ મુકાબલામાં ધોનીએ આત્મવિશ્વાસ ગુમાવ્યો નથી અને ટીમને જીત અપાવી છે.

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા કેપ્ટન ધોનીનો અંદાજ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી, સચીન તેંડુલકર અને વિરાટ કોહલીથી બહુ જ અલગ રહ્યો છે. ધોની દબાણમાં ક્યારેય વિખેરાઈ જતો નથી, જ્યારે સચીન પર કેપ્ટનશિપનો બોજ સવાર થઈ જતો હતો. તેના કારણે સચીન પોતાની નૈસર્ગિક રમત રમી શકતો નહોતો. જ્યાં સુધી સૌરવની વાત છે તો તે વિપક્ષી ટીમ પર હુમલો કરવાની તક ક્યારેય ચૂકતો નહીં એટલે કે ‘જેવા સાથે તેવા’ની રીતે જવાબ આપવામાં વિશ્વાસ રાખતો હતો.

ક્રિકેટ પંડિતો તો ધોનીની સફળતા માટે સૌરવ ગાંગુલીને શ્રેય આપવાનું નથી ચૂકતા. મોટા ભાગના ક્રિકેટ વિશ્લેષકોનું માનવું છે કે સૌરવે જે ટીમ બનાવી હતી તેણે જ ધોનીના નેતૃત્વને સ્ટારડમ અપાવ્યું. બીજી બાજુએથી જોવામાં આવે તો જ્યાં સચીનની જેમ વિરાટમાં રન બનાવવાની ક્ષમતા છે તેની સાથે સૌરવની જેમ મેદાન પર વિરાટની આક્રમકતા પણ જોવા મળે છે.

ટેસ્ટ મેચ દરમિયાન ધોની તરફથી શાનદાર કેપ્ટનશિપનાં ઘણાં ઉદાહરણ છે. ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વની ક્ષમતાને ઘણા દિગ્ગજ ક્રિકેટર્સે પ્રશંસા કરી છે. વિરાટમાં સૌરવ ગાંગુલીના નેતૃત્વનો અંશ જોવા મળે છે. આઇપીએલની વર્તમાન સિઝનમાં અત્યાર સુધીના મુકાબલાઓની વાત કરીએ તો વિરાટના નેતૃત્વમાં આરસીબી જોકે ટોચની ટીમોમાં સ્થાન મેળવી શકી નથી, પરંતુ કેપ્ટનશિપ અને પોતાની બેટિંગથી તેણે બધાંને પ્રભાવિત જરૂર કર્યાં છે. આમ જોવામાં આવે તો વિરાટમાં બેટિંગમાં સચીન અને કેપ્ટનશિપમાં સૌરવ જેવી આક્રમકતા જોવા મળી છે અને તેના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાની સફળતાની આશા રાખી શકાય તેમ છે.

You might also like