સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ: ચોટીલામાં રેકોર્ડબ્રેક વરસાદ

અમદાવાદ: સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં અતિ ભારે વરસાદ ખાબકતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ભારે વરસાદ અને પુરના કારણે સેંકડો લોકો ફસાઇ જતા રેસ્ક્યુ ટીમે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી આરંભી છે. ક્યાંક ક્યાંક તો હેલિકોપ્ટરની મદદ પણ લેવાની ફરજ પડી છે. હજુ ભારે વરસાદ પડવાની આગાહીના પગલે વહીવટીતંત્રને એલર્ટ કરાયું છે. રાજ્યના ૩૩ જિલ્લાઓના ર૪૦ તાલુકામાં અવિરત મેઘમહેર ચાલુ રહેવા પામી છે.

પાણીનાં પૂરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ ટીમે બચાવ્યા
સાયલાના ધારા ડુંગરી ગામ અને લીંબડીના ઊંટડી ગામે પુરમાં ૩૬ લોકો ફસાઇ જતા રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ તમામને ઉગારી લીધા હતા. જિલ્લામાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં અત્યાર સુધીમાં રર૪પ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.

ચોટીલામાં રેકોર્ડબ્રેક વરસાદ
ચોટીલામાં સિઝનનો ૩પ ઇંચ રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે. ગયા અઠવાડિયે ચોટીલા પંથકમાં ર૪ વરસાદ ખાબક્યા બાદ ગત રાત્રીથી અત્યાર સુધીમાં ફરી ૧૧ થી ૧ર ઇંચ ખાબક્યો હતો. ગંજીવાડા ગામે પાંચ જણાં પૂરમાં ફસાઇ જતા એનડીઆરએફની રેસ્ક્યુ ટીમે તમામને બચાવી લીધા હતા.

નદીમાં કાર તણાતાં એકનું મોત
જસદણ નજીક ખેરડી પાસેની નદીમાં આવેેેલા ઘોડાપૂરમાં એક કાર તણાતાં કારમાં બેઠેલ પિતા-પુત્ર પૈકી પિતાનું મોત થયું હોવાનું અને પુત્રનો બચાવ થયો હોવાનું જાણવા મળે છે.

ટ્રેનને લીલિયા સ્ટેશને રોકાઇ જવું પડ્યું
સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ગઇ કાલે અમરેલીથી મહુવા તરફ જઇ રહેલી ટ્રેનને રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા લીલિયા રેલવે સ્ટેશને રોકી લેવાઇ હતી.

ધોળી ધજા-નાયકા ડેમ ઓવરફલો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, લીંબડી, સાયલા, લખતર સહિતના તાલુુકામાં રાતભર વરસાદ ચાલુ રહ્યો હતો. સુરેન્દ્રનગરના ધોળી ધજા અને નાયકા ડેમ ઓવરફલો થતાં બંને ડેમના ૧પ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા.

જૂનાગઢમાં પાણીનો નીકાલ કરવા દીવાલ તોડાઇ
જૂનાગઢમાં અક્ષર મંદિર નજીક પાણી ભરાઇ જતા અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયાં હતાં અને લોકોને પોતાના ઘરમાં જ ભરાઇ રહેવું પડ્યું હતું. નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થતાં પાણીની આવક વધી ગઇ હતી. આથી અનેક લોકો ફસાઇ જતાં અક્ષર મંદિરની બાજુની દીવાલ તોડી પાણીનો નીકાલ કરાયો હતો. જૂનાગઢના વીસાવદરમાં ભારે વરસાદના કારણે શાપુર ડેમ છલકાઇ જતા ર૩ દરવાજા ખોલી નંખાયા હતા.

મોરબીમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યાં
મોરબીમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની જતા અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયાં હતાં. ઘરમાં પાણી ઘૂસતાં લોકોની સ્થિતિ દયનીય બની ગઇ છે. મચ્છુ ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા ૧૦૦થી વધુુ લોકોનું સ્થળાંતર કરાયું હતું.

આજી-૧ ડેમ છલકાવાની તૈયારીમાં
અવિરત મેઘમહેરના કારણે રાજકોટનો આજી-૧ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. ભાદર ડેમમાં હાલ ર૦ ફૂટ અને ન્યારી ડેમમાં ૧૯ ફૂટ પાણીની સપાટી નોંધાઇ છે.

ટ્રેન, બસ વ્યવહારને માઠી અસર
સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ટ્રેન અને બસ વ્યવહારને માઠી અસર પહોંચી છે. અનેક બસોના રૂટ રદ કરાતાં મુસાફરો રઝળી પડ્યા છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર પણ સેંકડોની સંખ્યામાં મુસાફરો અટવાઇ ગયા છે.

વરસાદના કારણે શાળા-કોલેજો બંધ
સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી‌ જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે જનજીવન પર માઠી અસર પહોંચી છે. સલામતીના પગલે આજે શાળા-કોલેજો બંધ રહ્યાં હતાં.

અમદાવાદ-રાજકોટ હાઈવે ટ્રાફિક જામ થતા બંધ કરાયો
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભારે વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક થઈ ગયાે હતાે. રોડ પર પાણી ભરાવાના કારણે આ હાઈવેને બંધ કરી દેવામાં આવ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like