સૌરાષ્ટ્રમાં છવાયો ક્રિકેટ ફિવર

ટ્વેન્ટિ-ર૦ વર્લ્ડકપની રોમાંચક ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ પાસેથી રીતસરનો વર્લ્ડ કપ આંચકીને વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન બન્યું હતું. ટ્વેન્ટિ-ર૦ સિરીઝનો નશો ક્રિકેટરસિકોમાં ઊતર્યો નથી ત્યાં ૯મી એપ્રિલથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની શરૂઆત થઈ રહી છે. ક્રિકેટનો આ મહાકુંભ લગભગ પોણા બે મહિના સુધી ચાલશે. શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થઈ જતાં આઈપીએલની મેચો ઉનાળાના વેકેશનમાં ગુજરાતીઓને મોજ કરાવશે. સૌરાષ્ટ્રવાસીઓમાં ખાસ આઈપીએલનો નશો છવાયેલો છે, કારણ કે આઈપીએલની આ ૯મી સિઝનમાં ગુજરાતની ટીમ ‘ગુજરાત લાયન્સ’ ભાગ લઈ રહી છે અને આ ટીમ રાજકોટ બેઝ હોવાથી જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓમાં અનોખો ઉત્સાહ છે.

‘ગુજરાત લાયન્સ’ એ આગવી ઓળખ સમાન
આઈપીએલ સિઝન-૯ એટલે કે ચાલુ વર્ષની હરાજીમાં ગુજરાતની ટીમ માટે મોબાઈલ કંપની ઈન્ટેક્ષ દ્વારા બોલી લગાવવામાં આવી હતી. ઈન્ટેક્ષના માલિક કેશવ બંસલને ગુજરાત સાથે ખાસ લગાવ હોવાથી તેમને અંગત રસ દાખવીને ગુજરાતની ટીમ ખરીદી હતી. ગુજરાતની ટીમને પ્રદેશની આગવી ઓળખ મળે તે માટે તેના નામમાં ‘લાયન્સ’ શબ્દ જોડાયો છે. એકમાત્ર ગુજરાતના ગીરમાં જ એશિયાટિક સિંહોનો વસવાટ હોવાને કારણે ટીમના લોગોમાં સિંહને પણ દર્શાવાયો છે. આ રીતે ગુજરાત-સૌરાષ્ટ્રની ઓળખ વિશ્વસ્તરે લઈ જવાનો પ્રયાસ કરાયો છે.

આઈપીએલ સિરીઝ દરમિયાન હોમ ટીમ ‘ગુજરાત લાયન્સ’ની પાંચ મેચ ૧૪મી એપ્રિલથી ૩જી મે સુધી રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનાર હોવાથી રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓમાં અનોખો ઉત્સાહ છે. ‘ગુજરાત લાયન્સ’ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાના નેતૃત્વ હેઠળ ભાગ લઈ રહી છે. આ ટીમમાં સૌરાષ્ટ્રના ખેલાડીઓ રવીન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટ પણ રમી રહ્યા હોવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ છે.

રાજકોટને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચો મળે તે દિવસો દૂર નથી
વિશ્વના ક્રિકેટ મેપ પર સૌરાષ્ટ્રને મહત્ત્વનું સ્થાન મળ્યું છે જે માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. રાજકોટને અત્યાધુનિક ખંઢેરી સ્ટેડિયમની પણ ભેટ મળી છે. ૧૯૮પથી રાજકોટમાં આંતરરાષ્ટ્રીય સ્તરની મેચો રમાતી આવી છે. અહીં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરની જુદાંજુદાં ફોર્મેટની અનેક મેચ સફળતાપૂર્વક રમાઈ ચૂકી છે. સૌરાષ્ટ્રને માત્ર આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ મેચનો ઈંતઝાર છે.

આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી નિરંજન શાહ કહે છે, “આઈપીએલમાં ગુજરાતની ટીમ ‘ગુજરાત લાયન્સ’થી રાજકોટને યજમાન બનવાની તક મળી તે સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. રાજકોટમાં આઈપીએલની પાંચ મેચ ફાળવાઈ છે અને તે તમામ સફળતાપૂર્વક રમાય તે માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં વન-ડે, ટ્વેન્ટિ-ર૦ અને આઈપીએલ સહિતનાં ફોર્મેટની મેચો સફળતાપૂર્વક રમાઈ છે હવે રાજકોટને આંતરરાષ્ટ્રીય ટેસ્ટમેચ ફાળવવામાં આવે તે દિવસો દૂર નથી.

આગામી નવેમ્બરમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે ત્યારે આ ટીમ સામે ભારતની એક ટેસ્ટમેચ રાજકોટને ફાળવાશે તેવી મને આશા છે અને જો એમ થશે તો રાજકોટનું ટેસ્ટમેચનું સ્વપ્ન પણ સાકાર થશે.”

તેઓ કહે છે,”આઈપીએલની ટીમમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ હોય છે. આઈપીએલની પાંચ મેચ રાજકોટમાં રમાવાની છે. દુનિયાભરમાં આ મેચનું પ્રસારણ થતું હોઈ સ્વાભાવિક રીતે જ રાજકોટ આંતરરાષ્ટ્રીય સ્તરે છવાઈ જશે. આ શ્રેય સૌરાષ્ટ્રના ક્રિકેટપ્રેમીઓ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને (બીસીસીઆઈ) જાય છે.”

અનેક દિગ્ગજ ક્રિકેટર કાઠિયાવાડી
સૌરાષ્ટ્રમાં દોઢસો વર્ષથી ક્રિકેટ રમાય છે. ૧૮૭૦માં રાજકોટમાં રાજકુમાર કૉલેજની સ્થાપના થઈ ત્યારથી સૌરાષ્ટ્રમાં ક્રિકેટને પ્રોત્સાહન મળ્યું હતું. બહુ જૂજ લોકો જાણતા હશે કે મહાત્મા ગાંધી પણ રાજકુમાર કૉલેજમાં ક્રિકેટ રમી ચૂક્યા છે. એક સમયે રાજવી પરિવારના સભ્યો ક્રિકેટમાં ખાસ રસ લેતા અને તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની મેચ પણ રમી ચૂક્યા છે.

૧૯ર૯માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની રચના થયા બાદ ૧૯૩૪માં જામ રણજીના નામે રણજી ટ્રોફીનો આરંભ કરાયો હતો. જામ રણજી અને દુલિપસિંહજી જેવા દિગ્ગજ ક્રિકેટરો સૌરાષ્ટ્રે આપ્યા છે. તો વિનુ માંકડ, કરશન ઘાવરી, ધીરજ પરસાણા, સલીમ દુરાની જેવા ખેલાડીઓ પણ સૌરાષ્ટ્રના જ હતા. નવી પેઢીના ક્રિકેટરોમાં ચેતેશ્વર પુજારા, રવીન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ જેવા ખેલાડીઓ સૌરાષ્ટ્રની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

હાલમાં આઈપીએલની મેચ રાજકોટમાં રમાવાની છે ત્યારે તેની યાદ તાજી થાય તે સ્વાભાવિક છે. રાજકોટમાં પાંચ મેચો રમાશે, જેને નિહાળવા સૌરાષ્ટ્રવાસીઓમાં ઉત્સાહ છે. આ મેચોમાં નવા ખેલાડીઓને ઉત્તેજન મળવા ઉપરાંત રાજકોટના ધંધા-ઉદ્યોગને લાભ થશે. રાજકોટ આવનારા લોકો સૌરાષ્ટ્રનાં અન્ય સેન્ટરો કે જોવાલાયક સ્થળોની મુલાકાત લેતા હોવાથી હોટલ અને ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીને પણ વેગ મળશે.

કેશવ બંસલનો રાજકોટ પ્રત્યેનો લગાવ
મોબાઈલ કંપની ઈન્ટેક્ષના માલિક કેશવ બંસલ ગુજરાતની ટીમ ‘ગુજરાત લાયન્સ’ના માલિક છે. ગુજરાતની ટીમને આઈપીએલના મેદાનમાં ઉતારવા માટે તેમનો ગુજરાત પ્રત્યેનો પ્રત્યેનો લગાવ મહત્ત્વનું કારણ છે. કેશવ બંસલનાં માતા મુળ અમદાવાદના શાહીબાગ વિસ્તારનાં હોવાથી તેઓ વારંવાર અમદાવાદ આવતાં હતાં. ઉપરાંત કંપનીના માર્કેટિંગ અર્થે તેઓએ અનેક વાર ગુજરાતનું ભ્રમણ કર્યું છે અને રાજકોટ સાથે સંબંધોથી જોડાયેલાં છે. ‘ગુજરાત લાયન્સ’ની માલિકી લીધા બાદ તેમણે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને સ્ટેડિયમ તથા સુવિધાઓથી પ્રભાવિત પણ થયા હતા.
દેવેન્દ્ર જાની

You might also like