સાઉદી સરકારની જાહેરાત, 24 જૂનથી મહિલાઓને કાર ચલાવવાની મળશે આઝાદી

નવી દિલ્હી: સાઉદી સરકારે જાહેરાત કરી છે કે મહિલાઓને ર૪ જૂનથી દેશમાં કાર ચલાવવાની આઝાદી મળશે. ટ્રાફિક વિભાગના મહાનિર્દેશક મોહંમદ અલ બસાનીએ આ જાણકારી આપતાં કહ્યું કે અહીં મહિલાઓને ડ્રાઇવિંગનો હક આપવા સંબંધી તમામ જરૂરિયાતો પૂરી કરી લેવાઇ છે.

સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મહિલાઓના ડ્રાઇવિંગ પર વર્ષોથી લાગેલા પ્રતિબંધને હટાવવાની જાહેરાત કરી હતી. મહિલાઓને ડ્રાઇવિંગ શીખવવા માટે પાંચ અલગ અલગ શહેરમાં સ્કૂલો ખોલવામાં આવી છે. વિદેશથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી ચૂકેલી મહિલાઓને આ ડ્રાઇવિંગ સ્કૂલોમાં શિક્ષક તરીકે નિયુકત કરાશે.

આ મહિલાઓ હવે સ્થાનિક લાઇસન્સ માટે અરજી કરી શકે છે. ૧૮ વર્ષ કે તેનાથી વધુ ઉંમરની કોઇ પણ મહિલા લાઇસન્સ માટે અરજી કરી શકે છે. ક્રાઉન પ્રિન્સ મોહંમદ બિન સલમાને વિઝન-ર૦૩૦ કાર્યક્રમ હેઠળ મહિલાઓને ઘણા અધિકારો આપ્યા છે. જેમાં કાર ચલાવવી પણ સામેલ છે.

સલમાન ઓઇલ પર આશ્રિત આ દેશની અર્થ વ્યવસ્થાને વિસ્તાર આપવા ઇચ્છે છે જેમાં મહિલાઓની મોટી ભૂમિકા હશેે. વધુમાં વધુ માહિલાઓ અર્થ વ્યવસ્થામાં સહયોગ આપી શકે તે માટે અત્યાર સુધી મહિલાઓ માટેના બંધ દરવાજા ખોલી દેવાયા છે.

You might also like