યમનમાં હવાઈ હુમલાઃ શાળાનાં 29 બાળકો સહિત 50નાં મોત

સાદા: ઉત્તરીય યમનના સાદા પ્રાંતના અશાંત વિસ્તારોમાં સાઉદી અરેબિયાના વડપણ હેઠળના સંયુકત દળોએ કરેલા ખતરનાક હવાઇ હુમલામાં એક બસમાં સવાર ર૯ જેટલાં માસૂમ બાળકો સહિત કુલ પ૦નાં મોત થયાં હતાં અને ૭૭ અન્ય ઘાયલ થયા છે.

સાદામાં આરોગ્ય વિભાગના વડા અબ્દુલ ગની નાયેબે જણાવ્યું હતું કે સાઉદીના વડપણ હેઠળના લશ્કરી દળોએ હવાઇ હુમલા કરતાં શાળાના બાળકોને લઇને જતી એક સ્કૂલ બસને નિશાન બનાવવામાં આવી હતી. જેમાં ર૯ માસૂમ બાળકોના મોત થયાં હતાં.

આ હવાઇ હુમલામાં કુલ ૪૩નાં મૃત્યુ થયાં છે. ગઠબંધન દળો હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ લડી રહેલ યમન સરકારનું સમર્થન કરનાર છે.

યમનની સરકારી ન્યૂઝ એજન્સી એસપીએ ઇરાનના સમર્થિત હુુથી વિદ્રોહીઓ સામે લડી રહેલા પશ્ચિમ સમર્થિત સંયુકત દળોને ટાંકીને જણાવાયું હતું કે સાઉદી અરેબિયાના ઔદ્યોગિક શહેર જિજાનમાં મિસાઇલ લોન્ચરને નિશાન બનાવીને હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા

જેમાં યમનના એક નાગરિકનું પણ મોત થયુું હતું. સંયુકત દળોએ એવો આક્ષેપ કર્યો હતો કે હુથી વિદ્રોહીઓ બાળકોને ઢાલ બનાવીને તેમનો ઉપયોગ કરી રહ્યા હતા. જેના કારણે આ હુમલામાં ર૯ જેટલાં બાળકો મોતને ભેટયાં છે.

રેડક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિએ જણાવ્યું હતું કે હુથીના ગઢ મનાતા સાદામાં બાળકોની ભરેલી બસ હુમલાની ચપેટમાં આવી ગઇ હતી. રેડક્રોસ સમિતિએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે યમનમાં અમારી ટીમની સહાયતાથી એક હોસ્પિટલમાં ૧પ વર્ષ સુધીનાં ર૯ બાળકોનાં મૃતદેહો પહોંચાડવામાં આવ્યા હતા. હુથીના અલ મસરિયાહ ટીવીએ જણાવ્યું હતું કે આ હુમલામાં પ૦ લોકોનાં મોત થયાં છે અને ૭૭ અન્ય ઘાયલ થયા છે.

You might also like