સાઉદી અરેબિયામાં ગુલામીની ચુંગાલથી છૂટેલી મહિલા પર ભાઈ-ભાભી સહિત લોકોનો હુમલો

અમદાવાદ: સાઉદી અરેબિયાથી ગુલામ જેવી અવસ્થામાંથી બચીને પરત આવેલી હાફિઝાબાનું પર મોડી રાતે તેના ભાઇ ભાભી સહિત કેટલાક લોકોએ મકાન ખાલી કરવા બાબતે હુમલો કર્યો છે. પટવા શેરીમાં રહેતા કેટલાક માથા ભારે ઇસમોએ શાહપુર વિસ્તારમાં આવેલ અંબાલાલ ધાંચીની ચાલીને બાનમાં લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. શાહપુર પોલીસે હાફિઝાબાનુંના ભાઇ સહિત 8 લોકો સામે ફરિયાદ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો ના જણાવ્યા અનુસાર હાફિઝાબાનુંએ મુંબઇના એજન્ટો વિરુદ્ધમાં કરેલી હ્યુમન ટ્રાફિકિંગની ફરિયાદમાં સમાધાન કરવા માટે છેલ્લા ઘણા સમયથી પ્રેશર કરવામાં આવી રહ્યું છે.

શાહપુર વિસ્તારમાં અંબાલાલ ઘાંચીની ચાલીમાં રહેતી અને મૂળ ધોળકાની 40 વર્ષિય હાફિઝાબાનું રજબ મલેકને બ્યૂટીપાર્લરનું કામ કરવાને બહાને સાઉદી અરેબિયામાં વેચી મારવાનો પર્દાફાશ ગત મહિને મહિલા પોલીસે કર્યો હતો. મહિલા પોલીસે અમદાવાદના એજન્ટ તેમજ મુંબઇની ડોન્ગરીમાં રહેતા એજન્ટ ફારુકની ધરપકડ કરી હતી અને સાઉદી અરેબિયાના રિયાધમાં ફસાયેલી હાફિઝાબાનુંને અમદાવાદ પરત લાવવામાં સફળતા મળી હતી. અમદાવાદ આવ્યા બાદ હાફિઝાબાનુંને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ગઇ કાલે મોડી રાતે પટવા શેરીમાં આવેલ અલ-અહેમદ ફ્લેટમાં રહેતા હાફિઝાબાનુંના ભાઇ અબ્દુલ માજિદ રજબ હુસૈન મલેક, ઇમરાન ઉર્ફે ઇમુલાલા શેખ, અબ્દુલ વાજિદ મલિક, ઉમર ઉર્ફે બબલુ સાઇકલવાલા, શકિનાબાનું, સાહેદાબાનું, રૂબિનાબાનું તેમજ ભાભી ફાતેમા ફ્લેટ નામે કરવા માટે હાફિઝાબાનુંના ઘર પાસે આવ્યાં હતાં. હાફિઝાબાનુંએ ફ્લેટ નામે કરવાનો ઇન્કાર કરતા તમામ લોકો ઉશ્કેરાયા હતા અને હાફિઝાબાનું પર હુમલો શરૂ કરી દીધો હતો.

આ ઘટનાથી સ્થાનિકો દોડી આવ્યા હતા અને હાફિઝાબાનુંને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. જોકે ઉશ્કેરાયેલાં ટોળાંએ તેમની પર પણ હુમલો કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ઊહાપોહ મચી ગયો હતો. શાહપુર પોલીસને ઘટનાની જાણ થતાં તે તત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને હાફિઝાબાનુંની ફરિયાદ લીધી હતી.

http://sambhaavnews.com/

You might also like