સાઉદી અરેબિયામાં ફસાયેલી યુવતીના કેસમાં મહિલા ક્રાઈમ બ્રાન્ચને તપાસ

અમદાવાદ: સાઉદી અરેબિયાના જિદ્દાહમાં ફસાયેલી અમદાવાદની અસ્મા શેખને પરત લાવવા માટે કેસની તપાસ શાહપુર પોલીસ પાસેથી આંચકી લઇને મહિલા ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. અસ્માને સાઉદી અરેબિયાથી પરત લાવવા માટે એજન્ટે શાહપુર પોલીસને ત્રણ વખત બાંયધરી આપી હતી. જોકે શાહપુર પોલીસ અસ્માને પરત લાવવામાં સફળ નહીં થતાં તપાસ મહિલા ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે.

શાહપુર વિસ્તારમાં આવેલ દીવાન કબ્રસ્તાનની સામે ઉર્દૂ સ્કૂલની બાજુમાં રહેતી અસ્માબાનું મહેબૂબભાઇ શેખ પાંચેક મહિના પહેલાં બે પુત્રો મહંમદ અયાન અને મહંમદ સૂફિયાનને નાના નાની જોડે મૂકીને દુબઇમાં 20 દિવસના ટૂરિસ્ટ વિઝા પર ગઇ હતી. શાહપુરના એક એજન્ટે અસ્માબાનુંને દુબઇ મોકલી હતી ત્યાર બાદ તેને બોગસ વિઝાના આધારે સાઉદી અરેબિયામાં આવેલ જિદ્દાહ શહેરમાં મોકલી હતી. જ્યાં તેને ઘરકામ તરીકે નોકરી મળી હતી. થોડાક દિવસ પહેલાં અસ્માબાનુંએ તેના માતા પિતાને ફોન કર્યો હતો અને તે મુસીબતમાં હોવાનું જણાવ્યું હતું.

જિદ્દાહમાં ફસાયેલી અસ્માબાનુંને પરત લાવવા માટે અસ્માની માતા સમીમબાનુંએ તારીખ 23 માર્ચના રોજ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે શાહપુરના એક એજન્ટની અટકાયત કરી હતી. જેમાં એજન્ટે અસ્માબાનુંને પરત લાવવા માટે પોલીસને બાંયધરી આપી હતી. એજન્ટે અસ્માબાનુંને જિદ્દાહથી લાવવા માટે પોલીસને ત્રણ વખત બાંયધરી આપી હોવા છંતાય અસ્માબાનુંને પરત નહીં આવતાં પોલીસ કમિશનર કચેરી ખાતે કંટ્રોલ રૂમના ડીસીપી બલરામ મીણાને સમીમાબાનું મળ્યા હતા. આ મામલે મહિલા ક્રાઈમ બ્રાન્ચના ACP પન્ના મોમાયાએ જણાવ્યું છે કે જિદ્દાહમાં ફસાયેલી યુવતીની માતાએ અરજી કરી છે. જેમાં શાહપુર પોલીસ પાસે અમે તમામ વિગતો મગાવીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like