સાઉદી અરેબિયામાં પ્રથમવાર શાહી ખાનદાનના શાહજાદાને મોતની સજા

રિયાધ: સાઉદી અરેબિયાએ એક હત્યા કેસમાં શાહી ખાનદાનના એક સભ્યને દેહાંત દંડની સજા ફટકારી છે. આ એક અસામાન્ય ઘટના છે કે જેમાં હાઉસ ઓફ સાઉદના હજારો સભ્યોમાંથી કોઇ એકને મોતની સજા આપવામાં આવી હોય. સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રિન્સ તુર્કી બીન સાઉદ અલ-કબીરને પાટનગર રિયાધમાં મોતની સજા આપવામાં આવી હતી. પ્રિન્સ તુર્કી બીન સાઉદ અલ-કબીર પર સાઉદી નાગરિક આદિલ અલ-મોહંમદની ગોળી મારીને હત્યા કરવાનો આરોપ હતો.

મંત્રાલયના નિવેદન અનુસાર કબીર ૧૩૪મા સ્થાનિક કે વિદેશી છે કે જેમને આ વર્ષે મોતની સજા આપવામાં આવી છે. આરબ ન્યૂઝ દ્વારા નવેમ્બર ર૦૧૪માં એવા સમાચાર આપવામાં આવ્યા હતા કે રિયાધની એક અદાલતે પોતાના મિત્રની હત્યાના ગુનામાં એક અનામી શાહજાદાને મોતની સજા સંભળાવી હતી. પીડિત પરિવારે બ્લડ મની લેવાનો ઇન્કાર કર્યો હતો. આ જોગવાઇ હેઠળ આવા કિસ્સાઓમાં જો પીડિત પરિવારો આર્થિક વળતર સ્વીકારે તો અપરાધી બચી જતા હોય છે, પરંતુ આ કિસ્સામાં પીડિત પરિવારે નાણાકીય વળતર સ્વીકારવાનો ઇનકાર કરતાં સાઉદી અરેબિયાના શાહી ખાનદાનના શાહજાદાને મોતની સજા આપવામાં આવી છે.

You might also like