સાઉદી અરબ બદલાઈ રહ્યું છે, પહેલીવાર મુસ્લિમ મહિલાઓ ફૂટબોલ જોવા પહોંચી

સાઉદીઃ વર્ષ ૨૦૧૭ મહિલાઓ માટે ખાસ રહ્યું છે, કારણ કે ભારત સહિત આખી દુનિયામાં મહિલાઓને સમાનતાના અધિકાર અને સ્થિતિમાં સુધારો લાવવાના ઘણા નિર્ણયો લેવામાં આવ્યા. સાઉદી આરબમાં ગઈ કાલે પહેલી વાર મહિલાઓએ સ્ટેડિયમમાં બેસીને ફૂટબોલ મેચ નિહાળી. જેદ્દાહના એક સ્ટેડિયમમાં મેચ જોવા માટે મહિલા ચાહકો પણ પહોંચી. તેઓ ‘ફેમિલી ગેટ’થી સ્ટેડિયમાં પ્રવેશી અને ‘ફેમિલી સેક્શન’માં બેસીને મેચનો આનંદ માણ્યો.

સાઉદી આરબ માટે આ એક ઐતિહાસિક ક્ષણ હતી. અહીં દાયકાઓથી મહિલાઓ પર ઘણી જાતના પ્રતિબંધો લદાયેલા છે, જેમાંના કેટલાકને તાજેતરના દિવસોમાં હટાવી દેવામાં આવ્યા છે. આ મહિને કુલ ત્રણ સ્ટેડિયમમાં જઈને સાઉદી મહિલાઓ મેચ જોઈ શકશે. આ એ તમામ સામાજિક સુધારાઓની કોશિશોમાંની એક છે, જે ક્રાઉન પ્રિન્સ મોહંમદ સલમાનના નેતૃત્વમાં કરવામાં આવી રહી છે.

ગઈ કાલે જ સાઉદમાં વધુ એક પરિવર્તન આવ્યું. જેદ્દાહમાં સંપૂર્ણપણે મહિલા ગ્રાહકોમાં સમર્પિત દેશનો પહેલો કાર શો રૂમ પણ ખોલવામાં આવ્યો. આગામી જૂનથી મહિલાઓને પહેલી વાર કાર ચલાવવાની મંજૂરી પણ મળી જશે.

ગત વર્ષે સપ્ટેમ્બરમાં આ પ્રતિબંધ હટાવી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જેદ્દાહના સ્ટેડિયમમાં મહિલા ચાહકોના સ્વાગત માટે મહિલાઓ કર્મચારીઓ તહેનાત કરવામાં આવી હતી. મહિલાઓએ જોરશોરથી પોતપોતાની ટીમોનું સમર્થન કર્યું. મહિલા ચાહકો અને કર્મચારીઓએ પરંપરાગત પરિધાન ‘અબાયા’ ધારણ કર્યો હતો.

આ દરમિયાન સોશિયલ મીડિયાપર જે હેશટેગ ચાલ્યું એનો અર્થ હતો, ”લોકો સ્ટેડિયમોમાં મહિલાઓના પ્રવેશનું સ્વાગત કરે છે.” આ હેશટેગથી ફક્ત બે કલાકમાં હજારો મેસેજ ફરતા થયા. જેદ્દાહમાં રહેતી ૩૨ વર્ષીય ફૂટબોલ ફેન લામયા ખાલિદ નાસિરે જણાવ્યું, ”મને ગર્વ છે અને હું બહુ જ ઉત્સાહિત છું. સ્પષ્ટ છે કે અમે વધુ સારા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. આ મોટા ફેરફારની સાક્ષી બનીને હું બહુ જ ખુશ છું.”

You might also like