સાઉદી અરબમાં મહિલાઓના કાર ચલાવવાનો પ્રતિબંધ હટાવાયો

21મી સદીમા મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં પુરુષોથી સહેજપણ ઓછી નથી. મહિલાઓ પુરુષના ખભેથી ખભો મિલાવી ચાલી રહી છે. જો કે વિશ્વમાં હાલમાં પણ એવા દેશો છે, જ્યાં મહિલાઓના કાર ચલાવવા પર પ્રતિબંધ હતો, જો કે હવે તે દેશો પણ સુધરવા લાગ્યા છે.

સાઉદી અરબના શાહ સલમાને મંગળવારે એક ઘોષણા કરી હતી, જેમાં મહિલાઓને પહેલીવાર ડ્રાઈવિંગ લાયસન્સની મંજૂરી આપવામા આવી છે. જો કે આ આદેશ જૂન 2018થી લાગુ કરવામાં આવશે.

આ શાહી આદેશમાં મંત્રી સ્તરની સમિતિ રચવામાં આવશે. આ સમિતિ 30 દિવસમાં પોતાના વિચારો રજૂ કરશે અને 24 જૂન 2018 સુધી આ આદેશને પ્રસ્તાવિત કરવામાં આવશે. સાઉદી અરબના વિદેશ મંત્રાલયે ટ્વિટર પર તેની જાહેરાત કરી છે. જો કે મહિલાઓના કાર ચલાવવાના પ્રતિબંધને સામાજિક મુદ્દો માનવામાં આવી રહ્યો છે, કારણ કે ધર્મ અને કાયદામાં આવા કોઈ પ્રતિબંધનો ઉલ્લેખ નથી.

સાઉદી અરબના આ નિર્ણયનું અમેરિકાએ સ્વાગત કર્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘અમે આ આદેશને વધાવીએ છીએ. દેશને યોગ્ય દિશામાં લઈ જવા માટે આ યોગ્ય પગલું છે.’

You might also like