વચગાળાના જામીન મેળવવા સટ્ટાકિંગોનો એકસરખો ખેલ?

અમદાવાદ: 4 હજાર કરોડ કરતાં વધુના ક્રિકેટ સટ્ટાકાંડમાં ધરપકડ કરાયેલા સૂત્રધાર ટોમી પટેલ સહિતના બુકીઓ મેડિકલ ગ્રાઉન્ડના આધારે વચગાળાના જામીન લઇ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ટોમી પટેલને તાજેતરમાં બે સપ્તાહના જામીન મળ્યા બાદ વધુ એક બુકીએ મેડિકલના ગ્રાઉન્ડ પર જામીન માગતાં એન્ફોર્સમેન્ટ વિભાગ (ઇડી)એ બોગસ સર્ટિફિકેટ રજૂ કરાતાં હોવાની રજૂઆત કરતાં હાઇકોર્ટે તપાસનો આદેશ આપી ૫ ડિસેમ્બર સુધી અહેવાલ રજૂ કરવા ઇડીને જણાવ્યું છે.

ક્રિકેટ સટ્ટાકાંડમાં જેલમાં રહેલા બુકીઓ હાઇકોર્ટમાંથી મે‌િડકલ ગ્રાઉન્ડ ઉપર વચગાળા જામીન મેળવી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ‌ડિપાર્ટમેન્ટ (ઇડી)એ બુકીઓએ હાઇકોર્ટમાં રજૂ કરેલા મે‌િડકલ સર્ટિફિકેટ બોગસ હોવાની રજૂઆત કરી છે. ક્રિકેટ સટ્ટાકાંડમાં ધરપકડ કરાયેલા ટોમી પટેલ, ચિરાગ પારેખ, ધર્મેશ ચૌહાણ અને કિરણ માલાએ અગાઉ મે‌િડકલ ગ્રાઉન્ડ ઉપર વચગાળાના જામીન મેળવ્યા હતા.

ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાબેટિંગકાંડમાં ઇડીએ 10 કરતાં વધુ મોટા બુકીઓની ધરપકડ કરી છે, જેમાં ટોમી પટેલ, કિરણ માલા, મૂકેશ શર્માં, ચિરાગ પારેખ, ધર્મેશ ચૌહાણ, અંકુશ બંસલ, રીતેશ બંસલ, અમન ગુપ્તા, આશિષ ગ્રોવર, પરેશ ભાટિયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ગુજરાતની જેલોમાં બંધ છે.

આ કેસમાં સંડોવાયેલા ટોમી પટેલ તથા મુંબઇના પરેશ ભા‌ટિયાએ હાઇકોર્ટમાં મે‌ડિકલ ગ્રાઉન્ડ ઉપર વચગાળાની જામીનઅરજી કરી હતી. ટોમી પટેલની પત્નીને તાવ આવતો હોવાથી મે‌ડિકલ ગ્રાઉન્ડ ઉપર હાઇકોર્ટે 23 સપ્ટેમ્બરે બે સપ્તાહના જામીન આપ્યા હતા. અગાઉ પણ ટોમી પટેલે પત્નીના મસાનું ઓપરેશન કરાવવાનું છે તેવું કારણ રજૂ કરીને ત્રણ સપ્તાહના વચગાળાના જામીન મેળવ્યા હતા.

તાજેતરમાં અજ્ઞાત વ્યક્તિએ એન્ફોર્સમેન્ટ ‌ડિપાર્ટમેન્ટમાં અરજી કરી છે, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ક્રિકેટ સટ્ટાકાંડમાં સંડોવાયેલા આરોપી બોગસ મે‌િડકલ સર્ટિ‌ફિકેટ લઇને વચગાળાના જામીન ઉપર મુક્ત થઇ રહ્યા છે. પરેશ ભા‌ટિયાની વચગાળાની જામીનઅરજીની સુનાવણીમાં ઇડીના વકીલ ભાગ્યોદય મિશ્રાએ હાઇકોર્ટ જ્જ એ.જી. દેસાઇ સમક્ષ રજૂઆત કરી હતી કે પરેશ ભા‌િટયાએ નજીકના સંબંધીના બોગસ મે‌િડકલ સર્ટિ‌ફિકેટના આધારે વચગાળાના જામીન માગ્યા છે. આ રજૂઆતના પગલે હાઇકોર્ટે બોગસ મે‌િડકલ સર્ટિ‌િ‌ફકેટના મુદ્દે તપાસ કરવા માટે ઇડીને આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઇડીએ વડોદરા નજીક સિકંદરપુરના ફાર્મહાઉસમાં ચાલતા 4 હજાર કરોડનું સટ્ટાબેટિંગનું રેકેટ ઝડપી પાડ્યું હતું, તેમાં મુખ્ય સૂત્રધાર ટોમી પટેલ અને કિરણ માલા સહિત કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. આ સટ્ટાબેટિંગના તાર ક્યાં સુધી જોડાયેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરતાં દિલ્હીના રીતેશ બંસલ અને અંકુશ બંસલ નામ ખૂલ્યું હતું. તેની પણ ઇડીએ ધરપકડ કરી હતી. બન્ને ભાઇઓની પૂછપરછ દરમિયાન દેશમાં સૌથી મોટો સટ્ટો રમાડનાર મૂકેશ શર્માનું નામ ખૂલ્યું હતું.

મૂકેશ શર્માની ધરપકડ બાદ ઇડીએ મુંબઇના બિલ્ડર અનિલ સિંઘાનિયા, પુણેના સુખમિન્દર સોઢીના ઘરે દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત ઇડીએ સુખવિન્દર, અનિલ સિંઘાનિયા, મૂકેશ શર્મા માટે બેટિંગનું કામકાજ સંભાળતા સીબુના જયપુરમાં આવેલા ઘરે પણ દરોડા પાડ્યા હતા. ક્રિકેટ સટ્ટાબેટિંગમાં ઇડીએ 10 આરોપીઓની ઘરપકડ કરી હતી.

You might also like