સેટેલાઈટ રોડને પેચવર્કના નામે બદસૂરત કરી નાખ્યો!

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના ઈજનેર વિભાગની ભ્રષ્ટાચારી રીત રસમથી રોડની ગુણવત્તા લેશમાત્ર જળવાતી નથી. દેશના એક પણ મેગાસિટીમાં ન હોય તેવા વાહિયાત રસ્તા અમદાવાદમાં જોવા મળે છે. હવે શાસકો સ્માર્ટ સિટીનાં ઢોલ નગારાંમાં મસ્ત છે. એટલે સ્માર્ટ રોડનાં બણગાં ફૂંકી રહ્યા છે. પરંતુ સત્તાવાળાઓ એક વખત ખરેખર ગંભીર થઈને રોડનાં કામોને ચકાસવા નીકળે તો ઈજનેર વિભાગના કેટલાય અધિકારીઓને ભ્રષ્ટતાને કારણે રાતોરાત ઘરે બેસવાનો વારો આવી શકે તેમ છે. કમનસીબે સત્તાધીશો બેદરકાર હોઈ કોર્પોરેશનના અધિકારીઓ શહેરના ખુબસૂરત રોડને પણ બદસૂરત કરી રહ્યા છે. છેલ્લામાં છેલ્લું ઉદાહરણ સેટેલાઈટ વિસ્તારના ઈસ્કોન રોડની બદસૂરતીએ પૂરું પાડ્યું છે.

ચોમાસા અગાઉ પણ ખાસ કરીને વેજલપુર, જોધપુર, સેટેલાઈટ, પ્રહ્લાદનગર જેવા અનેક વિસ્તારોના રોડ તંત્રનાં સ્ટોર્મ વોટર અને ડ્રેનેજનાં ખોદકામથી નાગરિકો માટે ‘ભયનજક’ બન્યા હતા. તે વખતે પણ સત્તાવાળાઓએ વિવિધ સ્તરના રોડ રિસરફેસિંગના દાવા કર્યા હતા. જોકે આ તમામ વિસ્તારોમાં રોડ રિસફેસિંગમાં વેઠ જ ઉતારાઈ છે. ડીબીએમ કોટિંગની જાડાઈ જળવાઈ નથી. ડીબીએમ કોટિંગની સપાટી એક સમાન જળવાઈ રહે તે માટે પહેલાં રોડ લેવલ લઈ તાર બાંધીને ખીલા ઊભા કરી સપાટીનું લેવલ મેળવવામાં આવે છે. આ કામગીરી માટે પેવર મશીન સાથે સેન્સર લગાડેલાં હોય તો સેન્સર દ્વારા રોડની ઊંચી નીચી સપાટીમાં એક સરખો માલ ભરી એકસમાન સપાટી મેળવી શકાય છે.

પરંતુ નવા પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગે ક્યાંય પણ તાર બાંધીને રોડનું લેવલ લીધું ન હતું કે પેવર મશીનમાં સેન્સરનો ઉપયોગ કર્યાે ન હતાે. આવા સબ સ્ટાટર્ન્ડ કામગીરીથી આગામી ચોમાસામાં કરોડોના ખર્ચે રિસરફેસ કરેલા આ રસ્તા પાછા ધોવાઈ જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

નવા પશ્ચિમ ઝોનમાં પેચવર્કમાં કામ પણ સાવ વાહિયાત થતાં હોઈ સેટેલાઈટનાે રોડ ઈસ્કોન રોડ બદસૂરત બન્યો છે. પેચવર્કનાં કામો માટે રોડ રોલર, રોડ પ્લેનર વગેરે સાધનોનો ઉપયોગ કરવાનો હોય છે. રોડ પેચવર્કના કામ વખતે કોન્ટ્રાક્ટરે રોડ રોલર ફેરવવાનું હોય છે તેમજ નવા પેચવર્કના કારણે રસ્તો ઊંચોનીચો ન થાય તેવા પ્રકારની ગુણવત્તાસભર કામગીરી માટે જરૂરિયાત મુજબના કટ કરી પેચ તૈયાર કરવા રોડ પ્લેનર ટૂલનો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ તંત્રની મહેરબાનીથી કોન્ટ્રાક્ટરે આવા કોઈ મશીનોનો ઉપયોગ કર્યાે નથી અને ડામરના ફક્ત થીંગડાં જ માર્યાં છે!

જાણે કે રોડ પર જાનૈયાઓના ઉતારા માટેનાં મોટાં મોટાં ગાદલાં બિછાવ્યાં હોય તેવો બદતર રોડ બનાવી દીધો છે. આ રોડને જોધપુર વોર્ડમાં ચોવીસ કલાક પાણીનો પુરવઠો પૂરો પાડવાની પાઈપલાઈન બિછાવવા મહિના પહેલા ખોદી કઢાયો હતો. હવે પેચવર્ક કર્યાના દસ દિવસ બાદ પણ નવા પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગના વડાએ કોન્ટ્રાક્ટરના પેચવર્કના કામને નજરોનજર નિહાળવાની હજુ સુધી તસદી પણ લીધી નથી!

આ અંગે નવા પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગના વડા નરેન્દ્ર મોદી કહે છે, ‘પેચવર્કનું કામ પેટવર્ક તરીકે જ હોય તેમાં નબળી કામગીરીની શક્યતા નથી. કોન્ટ્રાક્ટરને અઢી લાખનું કામ સોંપાયું છે. જોકે કામની ગુણવત્તા તપાસવા મેં હજુ રાઉન્ડ લીધો નથી. આજે રાઉન્ડ લઈશ.’

You might also like