એર સ્ટ્રાઈક્સઃ સેટેલાઈટ તસવીરો ભારતનો દાવો સાબિત કરી શકે છે

(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતીય વાયુદળે પાક હસ્તકના વિસ્તારમાં એર સ્ટ્રાઈક કરીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાને સાફ કરી નાખ્યા હોવાનો દાવો કર્યો હતો. વિરોધ પક્ષોએ સરકાર પાસે આ અંગે પુરાવા માગ્યા છે. ૨૬ ફેબ્રુઆરીના રોજ વહેલા પરોઢિયે પાકિસ્તાનના બાલાકોટ અને પાક હસ્તકના કાશ્મીરના મુઝફફરાબાદ અને ચકોટીમાં વાયુદળના વિમાનોએ એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાને જોકે આ વાતનો ઈન્કાર કર્યો છે, પરંતુ હવે એર સ્ટ્રાઈક્સની કેટલીક તસવીરો સામે આવી છે, જે ભારતના દાવાને સાબિત કરી શકે છે. એનડી ટીવીના અહેવાલ અનુસાર બે અલગ અલગ સ્રોત મારફત સરકાર દ્વારા લેવામાં આવેલી તસવીરો એ વાતને સાબિત કરી શકે છે કે સ્પાઈસ બ્લાઈડ બોમ્બ દ્વારા પાંચ અલગ અલગ આતંકી માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા, જે પાકિસ્તાનના ખૈબર પખ્તુખ્વા બાલાકોટ નજીક આવેલ બીસીઆઈ ટાઉનની પશ્ચિમમાં છે.

એનડીટીવીના જણાવ્યા અનુસાર બાલાકોટમાં જે સ્થળે હુમલા કરવામાં આવ્યા ત્યાંની સિન્થેટિક એપર્ચર રડાર (એસએઆર) તસવીરો સરકાર પાસે છે, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે આતંકીઓના અડ્ડા સાફ થઈ ગયા છે. આ અગાઉ કેટલાક સ્વતંત્ર સેટેલાઈટ ઈમેજરી નિષ્ણાતોએ મિરાજ-૨૦૦૦ ફાઈટર પ્લેન દ્વારા આતંકી અડ્ડાઓ પર બોમ્બમારાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે એવો દાવો કર્યો છે કે સેટેલાઈટની તસવીરોથી એવા સંકેત મળ્યા છે કે બોમ્બમારાથી નુકસાન ઓછું થયું છે અને આ બોમ્બ આતંકી ઠેકાણાથી લગભગ ૧૫૦થી ૨૦૦ મીટરના અંતરે પડ્યા હતા.

જોકે ભારતીય સંરક્ષણ અધિકારીઓએ સ્વતંત્ર સેટેલાઈટ ઈમેજરી નિષ્ણાતોના દાવાને ફગાવી દીધા છે તેમનું કહેવું છે કે એસએઆર દ્વારા જે તસવીરો પ્રાપ્ત થઈ છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બાલાકોટમાં જે આતંકી અડ્ડાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા જે યોગ્ય રીતે હિટ થયા છે અને જ્યાં નુકસાન થયું છે ત્યાં પાકિસ્તાન હવે સમારકામ હાથ ધરી રહ્યું છે. આતંકી અડ્ડાઓના ધાબા પર નાના નાના છેદ ઈઝરાયલમાં બનેલા આ બોમ્બના એન્ટ્રી પોઈન્ટ દર્શાવે છે.

રિપોર્ટમાં એવું જણાવાયું છે કે એર સ્ટ્રાઈક કરનાર વિમાનોમાં ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર હતા, જેમાં ફોટો કેપ્ચર કરવાની ક્ષમતા હોય છે, પરંતુ ગાઢ વાદળોના કારણે તસવીરો કેદ થઈ શકતી નથી, પરંતુ મિરાજ-૨૦૦૦ની ઉચ્ચ ટેકનિકલ ક્ષમતાના કારણે વાદળો હોવા છતાં સમગ્ર વિસ્તારની તસવીરો કેપ્ચયોર કરાઈ શકાઈ હતી.

You might also like