સેટેલાઈટના કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ પઢેરિયા સસ્પેન્ડ

અમદાવાદ: અમદાવાદના બાવળા ખાતેથી ઝડપાયેલું કોલ સેન્ટર સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ પઢેરિયાની ભાગીદારીમાં ચાલતું હોવાનું બહાર આવતાં ઝોન-૭ ડીસીપી વિધિ ચૌધરીએ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહને સસ્પેન્ડ કરી દીધા છે અને આ મામલે એન ડિવિઝન એસીપી કલ્પેશ ચાવડાને તપાસ કરવા જણાવ્યું છે.

બાવળાના સાંઇ ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાંથી અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી કોલ સેન્ટર ઝડપ્યું હતું.જેમાં વીરેન્દ્રસિંહ પઢેરિયા તેમના સંબંધી સાથે ભાગીદારીમાં કોલ સેન્ટર ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વીરેન્દ્રસિંહ ૨૦ દિવસથી રજા ઉપર હતા અને હાજર થવાનું હોવા છતાં તેઓ હાજર થયા ન હતા અને કોલ સેન્ટર ચલાવતા હતા.

ઝોન-૭ ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે આ મામલે તાત્કાલિક અસરથી ગઇ કાલે જ વીરેન્દ્રસિંહને સસ્પેન્ડ કરી દીધા હતા તેમજ તેમની સામે ખાતાકીય તપાસ કરવાના આદેશ આપી દીધા હતા. ઉલ્લેખનીય છે કે આ કોલ સેન્ટરમાં મુંબઇના થાણેમાંથી ઝડપાયેલા કોલ સેન્ટરના સૂત્રધાર સાગર ઉર્ફે સેગી ઠાકરના જ સાગરીતો દ્વારા મદદ પૂરી પડાતી હોવાનું સામે આવ્યું છે.

જેથી ફરી એક વાર ગુજરાતમાં સાગર ઠાકરના સગારીતો દ્વારા કોલ સેન્ટરને માહિતી પૂરી પડાતી હોવાની પોલીસને શંકા છે. અમદાવાદમાં અથવા તેની આસપાસ કોલ સેન્ટરમાં સાગર માહિતી પૂરી પાડતો હોવાને લઇ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like