સાસુજી ડાઈનિંગ હોલ, શ્રી મારુતિનંદન, દક્ષિણાયન, પિઝા હટનાં રસોડામાં ગંદકી

અમદાવાદ: ચોમાસાની સિઝનમાં લોકો ‘હાઇજેનિક ફૂડ’ને વધુ પસંદ કરે છે. અનેક શોખીનો મોંઘાદાટ ભાવની રેસ્ટોરાંને પસંદ કરે છે. તેમ છતાં અનેક વાર ‘નામ બડે ઔર દર્શન છોટે’ નો કડવો અનુભવ થાય છે.

સીજી રોડ પર આવેલી પ્રતિષ્ઠિત સાસુજી ડાઇનીંગ હોલ, સિંગાપોરિયમ, દ‌ક્ષિણાયન, એલિનીયા, પીઝાહટ, વિદેશી રેસ્ટોરાં વગેરેમાં તંત્રને ગઇ કાલે રાત્રે ચેકિંગ દરમ્યાન રસોડામાં પાર વગરની ગંદકી જોવા મળી હતી.

મ્યુનિસિપલ હેલ્થ વિભાગના ઇન્ચાર્જ ડો. ભાવિન સોલંકીના નેતૃત્વ હેઠળ ગઇ કાલે રાત્રે ફૂડ વિભાગની ટીમ સાસુજી ડાઇનીંગ હોલ સહિતનાં રેસ્ટોરાં પર ત્રાટકી હતી. જે તે રેસ્ટોરાંમાં નિયમ મુજબ ખાદ્ય પદાર્થો બનાવાય છે, અને પિરસાય છે તેની ચકાસણી કરાઇ હતી તેમજ માવો, ટોમેટો ચટણી સહિતના ખાદ્યપદાર્થોના નમૂના લેવાયા હતા.

સીજી રોડ પર આવેલી સાસુજી ડાઇનીંગ હોલની તપાસમાં પાર વગરની ગંદકી જોવા મળી હતી. રસોડામાં ચોપાસ ગંદકી જોઇને ખુદ અધિકારીઓ ચોંકી ગયા હતા. હેલ્થ વિભાગના વડા ડો. ભાવિન સોલંકી કહે છે, ‘સાસુજી’ રેસ્ટોરાંના રસોડામાં ગઇ કાલે રાતે ચેકિંગ દરમ્યાન ગંકદી જોવા મળતાં નોટિસ ફટકારાઇ છે અને આ બદલ પેનલ્ટી પણ ફટકારાશે.

તંત્ર દ્વારા સીજી રોડ પરની સિંગાપોરિયમ હોટલ્સ પ્રા.લિ.ને ગંદકી મામલે નોટિસ ઉપરાંત રૂ.રપ૦૦૦ની પેનલ્ટી ફટકારી હતી તેમજ માવાનું સેમ્પલ લેવાયું હતું.

નવરંગપુરાની દક્ષિણાયનને રૂ.પ૦૦૦ની પેનલ્ટી ફટકારી ટોમેટો ચટણીનું સેમ્પલ, પંચવટીની એલિનિયા રેસ્ટોરાંને રૂ.બે હજારની પેનલ્ટી અને નોટિસ તેમજ બ્રાઉન ગ્રેવીનું સેમ્પલ, પિઝા હટને નોટિસ ફટકારી, પિઝા સોસ, શ્રી મારુતિનંદનને નોટિસ ફટકારી હળદર પાઉડરનું સેમ્પલને રૂ.૪૦૦૦ની પેનલ્ટી સાથે નોટિસ ઉપરાંત ત્યાંથી બૈંગન ભરથાનું સેમ્પલ લેવાઇને મ્યુનિસિપલ લેબમાં તપાસ અર્થે મોકલી અપાયું હતું.

આ તપાસ દરમિયાન જે તે રેસ્ટોરાં ખાતે આરોગ્ય માટે હાનિકારક એવા ૧૭૫ કિ.ગ્રા.ખાદ્ય પદાર્થનો સ્થળ પર નાશ કરાયો હતો.

ડો.ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ પ્રહ્લાદનગરમાં આવેલી બાર્બિક્યુનેશન હોસ્પિટાલિટી લિ.માંથી જંગલી ચુક્કડ, પ્રહ્લાદનગર ગાર્ડન પાસેની વિદેશી રેસ્ટોરાંમાંથી રેડ ગ્રેવી અને નિનિઝ કિચનમાંથી ગ્રીન ચટણીનું, એચ.કે. ફૂડઝમાંથી પીઝા સોસનું સેમ્પલ લેવાઇને મ્યુનિ. લેબમાં તપાસ અર્થે મોકલાયું છે.

You might also like