તામિલનાડુમાં ધારાસભ્યો છટકી રહ્યા હોવાથી શશિકલાએ કોંગ્રેસની મદદ માગી

ચેન્નઇઃ તામિલનાડુના રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવે મુખ્યપ્રધાનપદ માટેના દાવેદાર વી.કે.શશિકલા અને ઓ.પનીરસેલવમ સાથે ગુરુવારે મુલાકાત કર્યા બાદ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ મોકલી આપ્યો છે. આમ હવે તામિલનાડુમાં ચાલી રહેલ રાજકીય જંગનો ફેંસલો દિલ્હીથી થશે. આ અગાઉ શશિકલાએ પક્ષના પાંચ વરિષ્ઠ નેતાઓ સાથે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે ધારાસભ્યોના સમર્થન આપતા પત્રો પણ રજૂ કર્યા હતા અને પોતાને ૧૩૦ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો.

આ અગાઉ પક્ષમાં બાગી થયેલા કાર્યકારી મુખ્યપ્રધાન ઓ.પનીરસેલવમ પણ રાજ્યપાલને મળ્યા હતા. ઓ.પનીરસેલવમે રાજ્યપાલને જણાવ્યું હતું કે તેમને પક્ષમાંથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. ત્યાર બાદ ઓ.પનીરસેલવમે મીડિયાને જણાવ્યું હતું કે રાજ્યપાલે તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.
દરમિયાન તામિલનાડુમાં ચાલી રહેલ સત્તાની સાઠમારીએ હવે નવો રસપ્રદ વળાંક લીધો છે. અત્યાર સુધી નંબર ગેમમાં આગળ રહેલાં શશિકલાની છાવણીથી હવે ધારાસભ્યો દૂર જઇ રહ્યા છે. જે તેમના માટે ચિંતાજનક બાબત છે.

આ સંદર્ભમાં શશિકલા છાવણીએ સરકાર બનાવવામાં મદદ માટે તામિલનાડુ કોંગ્રેસનો સંપર્ક સાધ્યો છે. બહુુમતી સાબિત કરવા માટે એઆઇએડીએમે ધારાસભ્યોની સંખ્યા ઓછી પુરવાર થવાની આશંકાને ધ્યાનમાં રાખીને શશિકલાએ કોંગ્રેસની પણ મદદ લેવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ હાઇકમાન્ડે તામિલનાડુ કોંગ્રેસના વડા એસ.તીરુનાવુક્કરાસર અને વિધાનસભા પક્ષના નેતા રામાસામીને આ અંગે વિચારવિમર્શ કરવા દિલ્હી બોલાવ્યા છે.
આ મામલામાં કેન્દ્રની દખલના આક્ષેપો વચ્ચે એવી શકયતા છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ તામિલનાડુના કોંગ્રેસી ધારાસભ્યો સાથે મુલાકાત કરી શકે છે.

અહેવાલો અનુસાર શશિકલાએ ૧૩૦ જેટલા ધારાસભ્યોનો ટેકો હોવાનો દાવો કર્યો છે, પરંતુ હવે કેટલાક ધારાસભ્યો ઓ.પનીરસેલવમની છાવણી તરફ જઇ રહ્યા છે અને વિરોધ પક્ષોએ શશિકલાના દાવાને રદિયો આપીને જણાવ્યું હતું કે તેમના સમર્થનમાં માત્ર ૧૦૦ જ ધારાસભ્યો છે. જો આવું બને તો શશિકલાને બહુમતી પુરવાર કરવા માટેે કોંગ્રેસની મદદ લેવી પડશે.

http://sambhaavnews.com/

You might also like