સરપંચનાં પતિએ ઝેરી દવા પીને કર્યો આપઘાત, પોલીસ તપાસ શરૂ

વડોદરા: જિલ્લાનાં વાઘોડિયા તાલુકાનાં રસુલાબાદ ગામનાં સરપંચનાં પતિએ આબરૂ જવાનાં ડરથી ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો છે. સરપંચ પત્ની સામે પંચાયતના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવતાં પતિએ આપઘાત કરી લીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ વાઘોડિયા તાલુકાનાં રસુલાબાદ ગામનાં પરમાર ફળિયામાં રહેતા અને ગામના સરપંચ કોકિલાબહેનના પતિ બળવંતભાઇ નગીનભાઇ રોહિતે (ઉં.વ.૩૪) પોતાના ખેતરમાં ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ બળવંતભાઇ બેભાન થઇ ગયા હતા. તુરંત જ તેઓને વાઘોડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતાં. પરંતુ તેઓની તબિયતમાં કોઇ સુધારો ન થતાં તેઓને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં.

જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સરપંચના પતિએ આપઘાત કરતાં ગામમાં ચકચાર મચી ગઇ હતી. સરપંચ કોકિલાબહેન સામે પંચાયત સભ્યો અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા, જે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઇ જશે અને પત્નીને સરપંચપદેથી રાજીનામું આપવું પડશે, જેના કારણે આબરૂ જશે તેવા ડરથી પતિ બળવંતભાઇ રોહિતે પોતાના ખેતરમાં જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

You might also like