સરખેજ, મકરબા અને રોપડા તળાવ વિશાળ ગટરમાં ફેરવાયાં

અમદાવાદ: ચોમાસાની ઋતુ નજીક આવી હોઈ બારે માસ મજૂરોના ત્રાસથી પરેશાન અમદાવાદીઓ માટે વરસાદની સિઝન મચ્છરોની પિક સિઝન હોવાથી ભારે આફતરૂપ બનશે. તેમાં પણ એડિસ ઈજિપ્તી મચ્છર કરડવાથી હવે ઝિકા વાઈરસનો ચેપ પણ ફેલાતો હોઈ શહેરીજનો ભારે ભયભીત છે. આવા માહોલમાં મચ્છરોના ઉત્પત્તિસ્થાન સમાન તળાવો ચોખ્ખાચણાક રાખવા જોઈએ પરંતુ કોર્પોરેશનના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની રહેમનજરથી તળાવોમાં ખુલ્લેઆમ ગટરના પાણી ઠલવાઈ રહ્યાં છે. સરખેજ વોર્ડનાં સરખેજ ગામ તળાવ, રોપડા તળાવ અને મકરબા ગામ તળાવ આનું ઉત્તમ ઉદાહરણ છે.

આ ઉપરાંત મલાવ તળાવ, વસ્ત્રાપુર તળાવ વગેરે ૩૪ તળાવની સફાઈ કરવા પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી લાખો રૂપિયા ખર્ચાશે પરંતુ આઘાતજનક બાબત એ છે કે નવા પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડના ત્રણ ત્રણ તળાવમાં ખુલ્લેઆમ ઠલાવાતાં ગટરનાં પાણીને બંધ કરાવવાના મામલે સત્તાવાળાઓ ઉદાસીન છે. આ ત્રણે તળાવો ગટરમાં ફેરવાયા હોઇ આસપાસના વિસ્તારોમાં રહેતા નાગરિકો ત્રસ્ત છે તેમજ અવારનવાર મચ્છરજન્ય રોગચાળો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાનો ભોગ બની રહ્યા છે. સરખેજ વોર્ડના આ ત્રણ તળાવમાં ઠલવાતાં ગટરનાં પાણીનો પ્રશ્ન કંઈ આજ કાલનો નથી. તળાવોમાં ગટરનાં પાણી તો છેલ્લાં ચાર વર્ષથી ઠલવાઈ રહ્યાં છે. આ અંગે વેજલપુરના ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ ચાર ચાર વર્ષથી કોર્પોરેશનમાં રજૂઆત કરીને થાકી ગયા છે. પરંતુ કોર્પોરેટરમાં ભાજપના શાસનમાં ભાજપના ધારાસભ્યની રજૂઆતને પણ નઘરોળ તંત્ર કાને ધરતું નથી. કિશોરસિંહ ચાૈહાણ વધુમાં કહે છે કે ખરેખર તો આ ત્રણેય તળાવનો વિકાસ કરવો જોઈએ. રોપડા તળાવની વિકાસની યોજના મેં રજૂ પણ કરી છે.

આ અંગે નવા પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગના વડા હરપાલસિંહ ઝાલાને પૂછતાં તેઓ કહે છે, ‘હું ફક્ત દોઢ મહિનાથી નવા પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવી રહ્યો છું. આ પ્રકારની કોઈ ફરિયાદ હજુ સુધી મારી પાસે આવી નથી. તેમ છતાં આની યોગ્ય તપાસ કરાવીને જે તે જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.’

http://sambhaavnews.com/

You might also like