સરિતા દેવી અને પિન્કી માફી માગીને બોક્સિંગમાં પાછાં ફર્યાં

નવી દિલ્હી: ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સર એલ. સરિતાદેવી અને કૉમનવેલ્થ ગેમ્સની બ્રૉન્ઝ મેડલ વિજેતા પિન્કી જાંગરાએ નેશનલ ફેડરેશનની માફી માગીને ઍમેચ્યોર બૉક્સિંગમાં પુનરાગમન કર્યું છે. ઇન્ડિયન બૉક્સિંગ કાઉન્સિલ (આઇબીસી) સાથે કૉન્ટ્રાક્ટ સાઇન કરનાર આ બન્ને મુક્કાબાજોએ થોડા મહિના પહેલાં અચાનક જ ઍમેચ્યોર બૉક્સિંગ ક્ષેત્ર છોડી જવા બદલ પસ્તાવો વ્યક્ત કરતો પત્ર બૉક્સિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (બીએફઆઇ)ને લખ્યો હતો.
બીએફઆઇના એક અધિકારીએ જણાવ્યું કે, ”સરિતાએ પ્રોફેશનલ બૉક્સિંગમાં ઝુકાવ્યું ત્યારે અમને અંધારામાં નહોતા રાખ્યા. તેણે અમને બરાબર માહિતગાર કર્યા હતા, જોકે પિન્કી અમારી પરવાનગી લીધા વગર કોચિંગ કૅમ્પ છોડી ગઈ હતી, જોકે બન્નેએ કૅમ્પ છોડી જવા બદલ માફી માગી છે. સરિતાનાં મમ્મી બીમાર છે અને અત્યારે તેમની સારવાર માટે મુંબઈમાં છે. તે ટૂંક સમયમાં કૅમ્પમાં જોડાશે. નવેમ્બરમાં વિયેતનામમાં એશિયન ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે અને તેણે એમાં ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જે અમે માન્ય રાખી છે.” સરિતા જાન્યુઆરીમાં તેની પ્રથમ પ્રોફેશનલ ફાઇટ જીતી ગઈ હતી. પિન્કી પણ પ્રથમ મુકાબલો જીતી હતી, જોકે ત્યાર પછી તેમની કોઈ હરીફાઈ ન હોવાથી પાછી નેશનલ કૅમ્પમાં આવી ગઈ છે.

http://sambhaavnews.com/

You might also like