એક સાડી અને રોડ અકસ્માતથી છુટકારો!

રાજ્યના અનેક હાઈવે પર કેટલીક જગ્યાએ રસ્તાની બાજુમાં ઝાડ પર સાડીઓ વીંટાયેલી જોવા મળે છે. આની પાછળનું કારણ શું છે? અમદાવાદથી ૪૦ કિલોમીટર દૂર મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામે ફાટક પાસે રસ્તાની બંને બાજુએ અડધો કિલોમીટરના વિસ્તારમાં લાખો સાડીઓ ઝાડ પર લટકી રહી છે. રસ્તાની બાજુમાં ચુડેલની એક નાનકડી દેરી છે. દેરીના પુજારી લીલાભાઈ રબારી કહે છે, “વર્ષો પહેલાં નેનપુર ફાટકનો આ વિસ્તાર અકસ્માતથી બદનામ હતો. ક્યારેક તો દિવસમાં બે-ત્રણ અકસ્માત થતા. આ અકસ્માતનો ભોગ બને તેનું મોત નિશ્ચિત થતું.

૨૦૦૮માં હું સ્કૂટર લઈને રાત્રે ૧૧ વાગ્યે અહીંથી નિકળ્યો તો રસ્તાની બાજુમાં શણગાર સજેલી એક કિશોરી જોઈ. મને કુતૂહલ થયું એટલે નજીક જઈને પૂછ્યું કે તમે કોણ છો? તેમનો જવાબ હતો, ચુડેલ. મેં તરત વળતો સવાલ કરતાં પૂછ્યું કે અહીં થતા બધા અકસ્માત તમે કરાવો છો? તેમણે હા પાડી. મેં તેમને જગ્યા આપીને સ્થાપન કરવાની વાત કરી બદલામાં અકસ્માત બંધ કરાવવા કહ્યું. તેમણે હા પાડી.

ચુડેલની શરત હતી કે મને દીવો ન કરો તો ચાલશે પણ સાડી ઓઢાડવી અને તેને ઉતારીને ફરી વેચવી નહીં.” આમ, આજે અંદાજે ૨.૬૦ લાખ ચૂંદડી અહીં ચડાવાઈ છે. ચુડેલની દેરીમાં કોઈ ફોટો કે મૂર્તિ નથી, માત્ર દીવો સળગે છે. ક્યારેક તો રૂ. ૧૦ હજારની કિંમતની મોંઘી ચૂંદડીઓ પણ લોકો અહીં ચડાવે છે. ચૂંદડી મળવાથી ચુડેલ ખુશ અને અકસ્માત અટકવાથી લોકો પણ ખુશ.

You might also like