હવે સરફરાઝનાં હાથમાં પાકિસ્તાની ટીમની ધુરા સોંપાઇ

લાહોર : વિકેટ કીપર બેટ્સમેન સરફરાજ અહેમદને આજે પાકિસ્તાનની ટી20 ટીમનું સુકાનીપદ સોંપવામાં આવ્યું છે. ટી20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ શાહિદ આફ્રીદીએ આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સરફરાઝ પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ(પીસીબી) દ્વારા બહાર પાડવામાં આવેલ પત્રમાં જણાવાયું કે સરફરાઝ અહેમદને પાકિસ્તાન ટી20 ટીમનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે.

સરફરાઝને ગત્ત વર્ષે પાકિસ્તાનની વન ડે ટીમનો ઉપકપ્તાન બનાવવામાં આવ્યો હતો. તે શાહિદ આફ્રીદીનાં સ્થાને કેપ્ટન્સીની કમાન સંભાળશે. આ નવા નિર્ણય અંગે ચર્ચા કરતા પીસીબી પ્રમુખ શહરયાર ખાને કહ્યું કે મે સરફાઝ સાથે આજે સવારે વાત કરી તો તેમણે જણાવ્યું કે આ અમારો બધાનો એક નિર્ણય છે. હું તેમને હવે તેમની નવી ભુમિકાઓ માટે શુભકામનાઓ આપું છું. તેમનાં નેતૃત્વમાં ટીમ સફળતાનાં ઉતુંગ શીખરો સર કરે તેવી મહેચ્છા.

અત્રે ઉલ્લેખનીય છે કે આફ્રીદીનાં રાજીનામા બાદ સોમવારે ટીમનાં મુખ્ય કોચ વકાર યૂનિસે પણ પોતાનાં પદપરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે બીજી તરફ પીસીબીએ હારૂન રશીદની આગેવાનીવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતીને પણ બર્ખાસ્ત કરીને એક મોટો નિર્ણય લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સામે હાર્યાબાદથી જ પાકિસ્તાની ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાની જનતા આફ્રિદીથી ખુબ જ નાખુશ હતા. જેનાં કારણે આફ્રીદીએ પોતાનું રાજીનામું ધરી દીધું હતું.

You might also like