ઐતિહાસિક સરદાર પટેલ ભવનને અડીને પે એન્ડ યુઝ!

અમદાવાદ: ખમાસા-દાણાપીઠ ખાતે આવેલા મ્યુનિ. મુખ્યાલય પરિસરમાં આવેલી ઐતિહાસિક સરદાર પટેલ ભવનમાં એક સમયે સરદાર પટેલ પ્રમુખ સ્થાન શોભાવતા હતા. અમદાવાદ સુધરાઇના પ્રમુખ તરીકે સરદાર બે આ ભવ્ય ઇમારતમાં બેસીને શહેરીજનો દુરંદેશી ભર્યા નિર્ણયો લીધા હતા. કમનસીબે આવી ગૌરવંતી ઇમારતની ગરિમાને પૂરતી રીતે જાળવી શકાઇ નથી. આ ઐતિહાસિક સરદાર પટેલ ભવનને અડીને જ પે એન્ડ યુઝ ધમધમવા લાગ્યું છે.

આ ઐતિહાસિક ઇમારતને મ્યુનિ. સત્તાવાળાઓએ હેરિટેજ બિલ્ડિંગ કરીને તેનું લાખો રૂપિયાના ખર્ચે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાયું હતું. હવે આ જૂની હેરિટેજ બિલ્ડિંગની તરફ શાસકો કે તંત્ર કોઇ નજર નાખતું નથી. હવે સાવ નજીકમાં પે એન્ડ યુઝ ધમધમવા લાગ્યું છે. તો સામેની કમ્પાઉન્ડની દીવાલને અડીને આવેલી ફુટપાથ પર માલિશબાજો ઊતરી પડે છે. જેને કોર્પોરેશનના સિક્યોરીટી સ્ટાફ પોતાના વિષય ગણતા નથી! આવા સંજોગોમાં ઐતિહાસિક સરદાર પટેલ ભવનની સુરક્ષિતા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

જો કે આ પે એન્ડ યુઝ માટે તંત્રનો ખુલાસો આશ્ચર્યજનક છે. હેલ્થ વિભાગના ઇન્ચાર્જ ડો.ભાવિન સોલંકી કહે છે, માણેકચોક જનારી મહિલાઓ માટે આ પે એન્ડ યુઝ બંધાયું છે. બીજી તરફ પુરાતત્ત્વ વિભાગ પણ પે એન્ડ યુઝના નિર્ણયને અટકાવી શકયો નથી પુરાતત્ત્વ વિભાગ કહે છે અમારી પાસેની ઐતિહાસિક સ્થાપત્યોની યાદીમાં સરદાર પટેલ ભવનનો સમાવેશ થતો નથી! એટલે અમે કોર્પોરેશનને નોટિસ ફટકારી શકીએ તેમ નથી.

You might also like