આસામ : સર્બાનંદ સોનોવાલની ભાજપ વિધાયક દળના નેતા તરીકે વરણી

આસામ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવનાર ભાજપના વિધાયકોએ આજે સર્બાનંદ સોનોવાલને વિધાયક દળના નેતા તરીકે ચૂંટી કાઢયા છે. સર્બાનંદ સોનોવાલ 24મીએ મુખ્યપ્રધાન પદના શપથ લેશે. ભાજપે વિધાનસભા ચૂંટણી અગાઉ જ સર્બાનંદને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. વિધાયક દળના નેતા તરીકે વરણી થયા બાદ સોનોવાલે જણાવ્યું હતું કે આપણા માટે આજે સારો દિવસ છે.

સોનોવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 મેના રોજ સર્બાનંદ સોનોવાલના શપથગ્રહણમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદી શપથગ્રહણ પછી રેલીને સંબોધન કરશે.ઉલ્લેખનીય છે કે આસામ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને 126માંથી 86 બેઠકો મળી છે. આસામમાં પ્રથમ વખત ભાજપની સરકાર બનવા જઇ રહી છે. આ જીત સાથે ભાજપે પૂર્વોત્તર રાજ્યોમાં ખાતુ ખોલ્યું છે.

You might also like