શા માટે સરસ્વતી પૂજન?

‘જે કુન્દ પુષ્પ, ચંદ્ર, તુષાર અને મુક્તાહાર જેવું ધવલ છે; જે શુભ વસ્ત્રોથી આવૃત્ત છે; જેના હાથ વીણારૂપી વરદંડથી શોભે છે; જે શ્વેત પદ્મના આસન પર વિરાજિત છે; જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા મુખ્ય દેવો વંદન કરે છે એવ નિઃશેષ જડતાને દૂર કરવાવાળી ભગવતી સરસ્વતી મારું રક્ષણ કરો.’
સરસ્વતીના સ્વરૂપ વર્ણનમાં જ સાચા સારસ્વત માટેનું માર્ગદર્શન સમાયેલું છે. સરસ્વતી કુન્દ, ઇન્દુ, તુષાર અને મુક્તાહાર જેવાં ધવલ છે; સાચો સારસ્વત પણ તેવો જ હોવો જોઈએ. કુન્દ પુષ્પ સૌરભ પ્રસારે છે, ચંદ્ર શીતળતા બક્ષે છે, તુષાર બિંદુ સૃષ્ટિનું સૌંદર્ય વધારે છે અને મુક્તાહાર વ્યવસ્થાનો વૈભવ પ્રગટ કરે છે. સાચા સારસ્વતનું જીવન સૌરભયુક્ત હોવું જોઈએ. પુષ્પની સુવાસ જેમ સહજ પ્રસરે છે તેમ તેના જ્ઞાનની સુવાસ વાતાવરણમાં ચોમેર ફેલાઈ રહે છે. ચંદ્ર જેમ સમગ્ર વિશ્વને શાંતિ પ્રદાન કરે છે તેમ સરસ્વતીનો સાચો ઉપાસક અનેક લોકોના સંતપ્ત જીવનમાં શૈત્યનો સ્રોત વહાવે છે. એના જીવનની શીતળ ચાંદનીમાં અનેક દુઃખી જીવોને શાંતિ સાંપડે છે.
વૃક્ષનાં પાન પર પડેલું ઝાકળનું બિંદુ મોતીની શોભા ધારણ કરી વૃક્ષનાં સૌંદર્યને વધારે છે; તે રીતે સરસ્વતીના સાચા ઉપાસકના અસ્તિત્ત્વથી સંસાર વૃક્ષની શોભા વધે છે. આવા માનવને માટે કહેવું પડે છે કે, હાર એટલે મુક્તાહાર. એકલા મોતી કરતાં મોતીનો હાર વધારે સુંદર લાગે છે.
સરસ્વતીના ઉપાસકોએ પણ આ રીતે એક સાથે, એક સૂત્રમાં પરોવાઈને કામ કરવાની તૈયારી રાખવી જોઈએ. વિદ્વાનોની શક્તિનો આવો વ્યવસ્થિત યોગ કોઈ પણ મહાન કાર્યને સુસાધ્ય બનાવે છે. એક એક વિદ્વાન એક એક મોતી છે, પણ તે બધા ભગવાનનાં
સૂત્રમાં પરોવાય તો તેમની શક્તિ અનેક ગણી વધી જાય. એક એક ભણેલો માણસ એ દીપક સમાન છે. આ બધા દીવાઓ એક હારમાં ગોઠવાય તો દિવાળીની રોશની સર્જાય; અને જો આ દીવાઓ
અહંકારથી અવ્યવસ્થિત બનીને અથડાય તો હોળીની આગ સર્જાય. દિવાળીનો પ્રકાશ પ્રેરક હોય છે. જ્યારે હોળીનો પ્રકાશ દાહક હોય છે.
મા સરસ્વતીએ સફેદ વસ્ત્રો ધારણ કર્યાં છે. સરસ્વતીનો ઉપાસક પણ મન, વાણી અને કર્મથી શુભ્ર હોવો જોઈએ. અહીં એક વાત હળવે જ કહેવાની કે શિક્ષક એ સરસ્વતીનો ઉપાસક છે. તેના જીવનની અસરો બાળક ઉપર પડતી હોય છે. બાળક વાણી કરતાં વર્તનથી વધારે વાતો શીખતું હોય છે. શિક્ષકે આંતર્બાહ્ય વિશુદ્ધ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. કદાચ એ તેને શક્ય ન હોય તો ઓછા નામે તેણે બાળકો સામે શુભ્ર રૂપમાં રજૂ થવું જોઈએ. એવો મા શારદાનો તેના પનોતા પુત્રને સંદેશ છે.
બાળકોનું હિત સધાય અને સરસ્વતીના મંદિરનું પાવિત્ર્ય જળવાય. સરસ્વતીની શુભ્ર વસ્ત્રોથી આવૃત્ત રહેવાની આ વાત કેવું વ્યવહારુ માર્ગદર્શન આપી જાય છે!
સરસ્વતીના હાથ વીણાના વરદંડથી શોભે છે. વીણા એ સંગીતનું પ્રતીક છે. સંગીત એ એક કલા છે. આ રીતે જોતાં સરસ્વતીનો ઉપાસક સંગીતનો પ્રેમી અને જીવનનો કલાકાર હોવો જોઈએ. સંગીત એટલે સમ્યક્ ગીત. વીણાના સૂરો જે રીતે સુસંવાદિત હોય છે તે રીતે આપણાં કાર્યો પણ જો સુસંવાદિત હોય તો જ આપણા જીવનમાં સંગીત પ્રગટે. ગીતાનો એ સંદેશ પણ અહીં િવચારવા જેવો છે. વળી વીણાનો વરદંડ એટલે શ્રેષ્ઠ દંડ કહ્યો છે. દંડ એ જો સજાનું પ્રતીક હોય તો આના કરતાં શ્રેષ્ઠ સજા બીજી કઈ હોઈ શકે! જેની સજામાં પણ સંગીત છે એવો સારસ્વત જ સામેના માણસનું હૃદય પરિવર્તન સાધી શકે. માણસને મારનાર દંડ કરતાં માણસને બદલનાર દંડ ચોક્કસ મોટો છે, એનંુ
દર્શન મા સરસ્વતી આપણને વીણાનો વરદંડ હાથમાં ધારીને કરાવે છે.•
શાસ્ત્રી
હિમાંશુ વ્યાસ

You might also like