સરસપુર-રખિયાલ મેલેરિયાગ્રસ્તઃ ત્રણ મહિનામાં ૧૩ર સત્તાવાર કેસ

અમદાવાદ: અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધ્યો છે. સામાન્ય રીતે ઉનાળામાં મચ્છરોનો ત્રાસ ઓછો હોય છે તેમ છતાં હજુ સુધી શહેર સ્વચ્છ બન્યું ન હોઇ ધોમધખતા તાપમાં પણ મચ્છર કરડી જાય છે. કોર્પોરેશનના ચોપડે મેલેરિયાના સત્તાવાર કેસની વોર્ડ વાઇઝ વિગત જો તપાસીએ તો ઉત્તર ઝોનના સરસપુર, રખિયાલ વોર્ડમાં મેલેરિયાએ કાળો કેર વર્તાવ્યો છે.

ગત તા.૧ જાન્યુઆરી, ર૦૧૭થી તા.૮ એપ્રિલ, ર૦૧૭ સુધીમાં આ વોર્ડમાં મેલેરિયાના કુલ ૧૩ર સત્તાવાર કેસ નોંધાઇ ચૂક્યા છે. ખાનગી દવાખાનાં અને ખાનગી હોસ્પિટલોના કેસ તંત્રના ચોપડે ચડતા ન હોઇ બિનસત્તાવાર આંક તો સવા બસો જેટલો થાય છે.

તાજેતરમાં અમદાવાદ સહિત સમગ્ર જગતમાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઇ. મેલેરિયાની નાબૂદી માટે કોર્પોરેશનની તિજોરીમાંથી દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે. તંત્ર દ્વારા વર્ષોથી ખાસ મેલેરિયા વિભાગનું ગઠન કરાયું છે. તેમ છતાં કડવી વાસ્તવિકતા એ છે કે અમદાવાદમાં બારેમાસ મચ્છરોનો ઉપદ્રવ છે. આના માટે ફોગિંગની ખામી કારણભૂત છે. મચ્છરોને ભગાડવા છંટાતો જંતુનાશક પાઉડર હવે અસરકારક રહ્યો નથી. આની સાથે સાથે શહેરમાં ઠેર ઠેર જોવા મળતી ગંદકીના ઢગલા પણ જવાબદાર છે.

કોર્પોરેશનના ચોપડે ગત તા.૧ જાન્યુ., ર૦૧૭થી તા.૮ એપ્રિલ, ર૦૧૭ સુધીમાં મેલેરિયાના કુલ ૯૮૮ કેસ નોંધાયા છે. આ સમયગાળામાં આટલી મોટી સંખ્યામાં કેસ આઘાતજનક હોઇ ખુદ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ગુજરાત યુનિવર્સિટી ખાતે મચ્છરજન્ય રોગચાળાના સંદર્ભમાં ઓપરેશનલ રિસર્ચ કામગીરી શરૂ કરવા એમઓયુ કર્યા છે. વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે બાપુનગર, ગોમતીપુર, વિરાટનગર, ઇન્દ્રપુરી, ગોતા, શાહીબાગ, સ્ટેડિયમ વોર્ડમાં જનજાગૃતિ કાર્યક્રમનું પણ કોર્પોરેશન દ્વારા આયોજન કરાયું હતું.

હવે જો તંત્રના સત્તાવાર રિપોર્ટને વોર્ડ વાઇઝ તપાસીએ તો મચ્છરજન્ય રોગચાળાના પાંચ મુખ્ય વોર્ડમાં સરસપુર-રખિયાલ ૧૩ર કેસ સાથે પ્રથમ ક્રમાંકે, અમરાઇવાડી ૮૪ કેસ સાથે બીજા, વટવા ૮૩ કેસ સાથે ત્રીજા, બાપુનગર ૭૭ કેસ સાથે ચોથા અને ગોમતીપુર ૬પ કેસ સાથે પાંચમા ક્રમે આવે છે, જ્યારે ઝોન વાઇઝ કેસની વિગત જોતાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૩૧ર કેસ, પૂર્વ ઝોનમાં ૩૧૦ કેસ અને ઉત્તર ઝોનમાં ર૯૭ કેસ નોંધાયા છે. નવા પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા એટલે કે ફક્ત બે કેસ અને પશ્ચિમ ઝોનમાં ૧૬ કેસ ચોપડે ચડ્યા છે. કોટ વિસ્તારનો સમાવેશ ધરાવતા મધ્ય ઝોનમાં પણ મચ્છરજન્ય રોગચાળાના કેસ ફક્ત પ૧ છે.
http://sambhaavnews.com/

You might also like